Articles

શ્રી હરજીવનદાસ મહારાજ

હરજીવનદાસ વડોદરા પ્રાંતના કરજણ તાલુકામાં આવેલા દેથાણ ગામના રહીશ છે. તેઓ અટકમાં જાતે ગોહેલ કહેવાય છે. તેમનો જન્મ સને ૧૯૦૧ માં થયેલો કહેવાય છે. તેમના પિતાનું નામ હાથીભાઈ અને માતૃશ્રી નું નામ દેવ હતું. હરજીવનદાસ પાંચેક વર્ષના હશે એવામાં એમના પિતા જમીન વગેરે ગુમાવી બેઠા. ફકત ઘર એકલું રહેવા પૂરતું રહ્યું હતું. કંઈ પણ આધાર ન હોવાથી એમના પિતા કુટુંબ સાથે રેલ્વે કંપનીમાં દેથાણથી બે માઈલ છેટે એક બંગલીએ સાત રૂપિયાના પગારથી રહેવા ગયા. સાત રૂપિયા મળે તેમાં પોતે સાડા ત્રણ તોલા મહીને અફીણ ખાય જેથી કુટુંબનું પૂરૂં કરવું એ એમને વધારે કઠણ પડતું. માણસના માથા ઉપર દુઃખ આવે ત્યારે ચારે તરફથી આવી પડે છે. જંગલમાં બંગલી ત્યાં ટુંક પગારમાં છાંટો ઘી તો ક્યાંથી મળે પૂરતું છાશ પણ લાવવી ક્યાંથી? ત્યાંથી એક માઈલ ઉપરાંત વલણ મુસલમાની ગામ હતું. બાકીનાં ગામો બે માઈલ ઉપરાંત હતાં. એવા જંગલમાં દુઃખી સ્થિતીમાં ઉછરી હરજીવનદાસ સાત વર્ષના થયા એટલે ત્યાંથી વલણ નીશાળે જવા લાગ્યા. એક માઈલ જેટલો રસ્તો હોવાથી રસ્તે અટકચાળાં છોકરાં મારે પણ ખરાં. ભાગ્યે હરજીવનદાસએ કે દહાડો મારખાધા વિના ઘેર આવે. પોતાનાં માતાપિતા આ વાત જાણે, પરંતુ અજાણ્યા ગામમાં કોને ઠપકો દેવા જાય. મુસલમાની ગામમાં કોઇ સગુ પણ નહી એટલે વારસપણ કોણ કરે. પાણી પીવું હોય તો મહેતાજીની રજા લઈ ગામમાં વાણીઆનાં ઘર હતાં ત્યાં પી આવે. ઉનાળામાં જોડા ન મળે, ચોમાસામાં છત્રીના હોય અને શિયાળામાં ફાટ્યાં ટુટ્યાં કપડાં પહેરવાનાં તે પણ પૂરતાં મળે નહીં. એવી રીતે તાઢ તડકો વેઠી બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો એવામાં ત્યાંથી દેથાણ નજીક એક બંગલી હતી ત્યાં બદલી થઈ. અહીંથી તો વલણ ત્રણ માઈલ જેટલું દૂર થઈ પડયું. પોતે ત્યાંથી પણ વલણ જવાનું ચાલુ જ રાખ્યું. નાની ઉંમર અને તેમાં આવતાં જતાં છ માઈલ જેટલું ચાલવું, અને વાટે છોકરાંનો ત્રાસ વેઠી જવું આવવું એ ઘણું જ કઠણ પડતું. ઘેરથી બપોરે ખાવા રોટલા બાંધી જાય ખરા પરંતુ રસ્તે છોકરાં અડકી પડે એટલે કુતરાંને જ નાખવા પડે એવું પણ ઘણી વખત બનતું. એવા દુઃખમાં નાની ઉમરમાં નીત્ય જવું એ જેવી તેવી વાત નથી. તેમાં ઉનાળે શીયાળે તો ઠીક પરંતુ ચોમાસામાં કેટલી હરકત પડતી હશે ? ત્યાં પણ બે વર્ષ આવ જા કરી ચાર ચોપડી સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ ઘણી જ દુઃખી સ્થિતી, તેમાં લોકો કહે કે તમારે ભણાવી ભણાવી શાં રાજ લેવાં છે ! ઘેર રાખી કંઈ કામ કાજ શીખવોને એટલે કમાઈ ખાય. ઘરમાં તો ખાવાનું નથી અને ભણાવી ભણાવી શું કરો છો ! આવું નીત્ય સાંભળવાનું મળે. બધાં કારણને લઈ એમનાં માતા-પિતાનાં મન ભમ્યાં. ભમે જ, કારણકે ઘણી જ દુઃખી સ્થિતિ અને ગામડાનાં રહીશ, તેમાં ગામડાના લોકોની વાતો, બધું સાથે મળે ત્યાં બુધ્ધિ ફરે જ. આ કારણ થી હરજીવનદાસે નીશાળ બંધ કરી પણ કામ શું કરે. પોતાના પિતા બંગલી પર રહે અને ગામ નજીક હોવાથી પોતાનાં માતુશ્રી ઘેર રહેતાં તે આધ ભાગનાં કોઈનાં ઢોર પાલવતાં તે હરજીવનદાસને ચારવા જવું પડતું. એમ બે વર્ષ જતાં રહ્યાં છતાં એમનું ધ્યાન કંઈક ભણવામાં ખરૂં. એટલામાં દેથાણમાં પાચમું ધોરણ નીકળ્યું જેથી પોતે ફરીથી નિશાળે જવા માંડયું. મહા મુસીબતે પાચમું ધોરણ કર્યું. એવી રીતે પાંચ ચોપડી સુધીનો અભ્યાસ તો સુખે દુખે થયો હવે એમનું લગ્ન કેવી રીતે થયું તે વાત કરીએ.

એમના મહોલ્લામાં પાડોસીના છોકરાં સાથે ગામ મેઘા-કુઈના પા. રામદાસ નરોતમ ની દીકરીબાઈ ગુલાબનો કાચો વિવાહ કરેલો હતો. બે એક વર્ષ સુધી સગાઈ રહી પરંતુ કોઇ કારણને લઈ એક દિવસ મેઘાકુઈના લોકો મહેમાન આવ્યા ત્યારે પેલા પાડોસીએ ના કીધું કે મારે સગાઈ રાખવી નથી. જેથી મેઘાકુઈવાળાને વટ ચઢ્યો કે તમારે સામે બારણે સગાઈ કરીને જઈશું, નહીં તો અમારી કસુર બતાવો. પેલાએ કહ્યું કે મારે સગાઈ રાખવી જ નથી, મેઘાકુઈવાળા ભોંઠા પડયા અને મનમાં ધાર્યું કે આ પણે આ ગામમાં જ વિવાહ કરીને જવું છે. પૂછપરછ કરતાં તેઓએ જાણ્યું કે આ મહોલ્લામાં એક છોકરો છે. એટલે તેઓને બીજાઓએ જણાવ્યું કે ભાઈ છોકરો તો છે પણ સીમમાં ખેતર નથી. ગામમાં ઘર છે તે પણ પેલું દેખાય, જુઓ બારણું પણ નથી, એ ઝાંપલી દેખાય છે. છોકરાનો બાપ સડકમાં રહે છે, ઘરમાં ખાવાને અનાજના પણ સાંસા છે. જેને પૂછે તે એવું બોલે પણ નરસીંહ મહેતાના શામળીયાની પેઠે ઈશ્વરે ધાર્યું હોય તે જ થાય. ગમે તેટલું લોકોએ કહ્યું છતાં પેલા આવેલા મેમાનોએ માન્યું નહીં. ઝટ હરજીવનદાસના પિતાને બોલાવી વાત પૂછી એટલે જવાબમાં તેઓ બોલ્યાકે મારે હાલ ખેડવાને જમીન પણ નથી, ઘર છે તે તમે જુઓ છો પછી તમારી ધ્યાનમાં આવે તે ખરૂં. ત્યારે તે લોકોએ કહ્યું કે ભલે કંઈ નથી તો મજુરી કરી ખાશે પણ હમારે તો થઈ ચૂકયું. તે જ વખતે માણસ મોકલી વલણ હરજીવનદાસ ભણવા ગયા હતા ત્યાંથી બોલાવી ન્યાતના રિવાજ પ્રમાણે વિવાહ નક્કી કર્યો મહેમાનો વિદાય થયા પછી બીજા દિવસથી જ મેઘાકુઈ વાતો જવા લાગી. કારણકે સગાઈ કરવામાં હરજાવનદાસના સાળા હતા અને તે કાકા સસરાના છોકરા હતા કન્યાના બાપ આવ્યા ન હોતા એટલે લોકોએ ધાર્યું કે ભલે વિવાહ કરી ગયા પરંતુ કન્યાનો બાપ આંધળો છે કે તે જાણી જોઈ પોતાની દીકરી દુઃખમાં નાખશે ! સંદેશા ઉપર સંદેશા જવા લાગ્યા. તમારી દીકરીની સગાઈ કરી છે તેના ઘરમાં ટંકે ખાવા જોઈએ એટલું પણ અનાજ નથી, સીમમાં ખેતર પણ નથી. ઘર છે તે પણ ભાગલા જેવું, તળાવીયાં ભીલાંની માફક બારણાને બદલે અડકાવાને ઝાંપલી છે. અમને તો એના ઘરમાં બેસીએ તો પણ શરમ આવે ત્યાં તમારો ભત્રીજો તમારી દીકરીનો વિવાહ કરીને આવ્યો છે. છોકરો પણ કદરૂપા જેવો છે, કંઈ પણ ધંધો આવડતો નથી માટે જાણી જોઈ દ્દુઃખમાં શા માટે નાખો છો ?આવા સંદેશા સાંભળી કન્યાના બાપનું મન ભમ્યું. વિચાર કર્યો કે મારે સગાઈ રાખવી જ નથી. વાતોમાં ને વાતોમાં વર્ષ દહાડો વહી ગયો. સગાઈ ભાગવા શું બહાનું કાઢવું તે ઉપાય શોધ્યા કરતા હતા. અને શોધે જ કેમ કે આગળના વખતમાં જાત જોવામાં આવતી હતી અને અત્યારે જુવાર જોવામાં આવે છે. પાછળ શું થશે તે ન જોતાં માત્ર હાલ પૈસા સામુજ લોકો જુએ છે, એટલે ઉપર કહ્યું એમ બને એમાં નવાઈ નથી. પરંતુ જેના પ્રભુ પાધરા તેના વેરી આંધળા. તેમને ઉપાય સુજી આવ્યો કે લગ્ન લેવાનું જ કહો એટલે પૈસા વિના લગ્ન કયાંથી કરશે. એટલે એ પોતે જ ના કહેશે. આપણો વાંક નહિ નીકળે અને ધાર્યું કામ થશે. એમ સમજી લગ્ન લેવા આવ્યાને કહ્યું મારે લગ્ન કર્યા સિવાય ચાલે તેમ નથી. હરજીવનદાસના પિતાએ કંઈ પણ વિચાર કર્યા સિવાય હા પાડી તે વખતે કેટલાક લોકો કહેવા લાગ્યા કે ભાઈના જ કહોને તમો લગ્ન કયાંથી કરવાના છો ?ઘરમાં તો ખાવાનું નથી. પરંતુ એમને ના કહ્યું નહિ એટલે ના ઈલાજે લગ્ન કેવી રીતે થયું તે ટુંકામાં વાત કરીએ. ગરીબમાં ગરીબના છોકરાને માફો તો મળે છે પરંતુ હરજીવનદાસ ડમણામાં બેસી પરણવા ગયા હતા. જાનમાં પણ ના ઈલાજે થોડા માણસો ગયા હતા. લોકો કહેતા કે જાનમાં જશે તેની પણ ઈજ્જ્ત રહેવાની નથી, એટલું તો નહિ જ પરંતુ આ છોકરો ત્યાં પરણશે કે કેમ તે વાતની પણ લોકોને ખાત્રી ન હોતી. પરંતુ પ્રભુએ એવી દયા રાખી કે શાન્તિથી લગ્ન થઈ ગયું. કોઇ જાતની રાઢ કે તકરાર થઈ જ નથી. લગ્ન થયા બાદ પાછી લોકોની વાતો ચાલી. આ ઉપરથી એમ તો સમજાય છે કે મનુષ્યોની ધારણા ગમે તેવી હોય પરંતુ ઈશ્વરનું ધાર્યું જ થાય છે. માટે પ્રભુ ગરીબો નો દાતાર છે એ વાત સાચી જ છે. જે એની ઝીકરમાં છે તેની ફીકર એને સદા રાખવી જ પડે છે. સમય વિત્યા બાદ ભલે એકબીજાનાં મન ઉંચાં થવાથી ગમે તેવું બન્યું હશે પરંતુ એ જ કન્યા હાલ એમના ઘરમાં છે. લોકોએ બૂમો પાડી પરંતુ તેમાંનું કશું પણ વળ્યું નહિ.

હવે હરજીવનદાસે છઠ્ઠા ધોરણનો કેવી રીતે અને ક્યાં અભ્યાસ કર્યો તથા કોલેજનું પ્રથમપદ પાસ કેવી રીતે કર્યું, તેમાં કેવી અડચણો આવી, અડચણોમાં ધીરજ રાખી વ્યવહારિક કાર્ય તથા સદ્કાર્ય કેવી રીતે કરતા ગયા તે બાજુ લક્ષ આપીએ. એમનું લગ્ન થયા બાદ એ પણ ગરીબ સ્થિતીને લઈ સડકમાં રહ્યાં. અણતોળ્યા ભાર ઉઠાવવા પડે, વહેંચીને કામ આપે તે કરવું પડે, નાની ઉંમર અને તેમાં કોઇ દિવસ ભૂખ્યું રહીને પણ કામે જવું પડે કારણકે આઠ રૂપિયા મળે તેમાં વૃધ્ધ પિતાનું અફીણ બીજું દાણા વગેરેનું ખર્ચ અને તેમાં વળી જુનું દેવું તથા એમના પિતાએ કરેલું દેવું તે દેવા પેટે પણ માગતા લોકો ત્યાં આવી હાથમાંથી જ પૈસા પડાવી લે. ખાવાનું નહિ ને પત્થર તથા લોઢા સાથે રમત રમવાની એ ઘણું મુશ્કેલ હતું. દીવસે દીવસે રોગ થવા લાગ્યો. મહિનો સારા તો મહિનો માંદા એવી રીતે મહામુસીબતે ત્રણ વર્ષ કાઢયાં. છેવટે વધુ શરીર બગડવાથી સડક છોડવી પડી. એટલે બીજું તો ઠીક પણ અનાજના સાંસા પડવા લાગ્યા. લોકો એમના માટે ગમે તેમ બોલે. જે દિવસે એ ભૂખ્યા હોય તે દિવસે એમની જાણી જોઈ લોકો મશ્કરી કરે. ભાઈ, આજ તો તમો કંઈ સારૂ સારૂ જમ્યા હોય એવું જણાય છે – ભાઈ, તમારા જેવું સુખ તો કોઈને નહિ હોય કારણકે શેર લાવી શેર ખાવું અને વળી તમો તો ભક્ત એટલે પ્રભુ પણ તમારી ઉપર પ્રસન્ન અમારે તો ખેતીમાં પાકે તો ખાઈએ નહિ તો કાકા મામાં ગાઈએ. એવી રીતે લોકો એમની મશ્કરી પણ કરે. કોઈને એમનાં માતાપિતા કહે કે કામ હોય તો અમારા છોકરાને કહેજો એટલે સીધો જ જવાબ આપે કે એ શું કરે, માત્ર ભજન ગાઈ જાણે એનાથી કામ થાઈ નહિ માટે ભજન બેઠાં બેઠાં ગવાડયા કરોને. સાંજે પ્રભુ આવીને આપી જશે. પડતી હાલતમાં વ્હાલાં પણ વેરી થાય એ વાત સાંભળતાં સાચી લાગે છે હરજીવનદાસ બીજો શો ધંધો કરે. એમને શાકભાજી લાવીને વેચવા માંડી. સવારમાં ટોપલો લઈ ગામમાં ફરે તે પણ ન ચાલતાં લોકો લે. કેટલાક મશ્કરી કરે ને કહે કે કેમ ભાઈ પ્રભુના ભક્તને ટોપલા ઉંચકી ફરવું પડે છે ? હરજીવનદાસ જે કહે તે મુંગે મોઢે સહન કરે. છેવટે એમણે બહારગામ ટોપલો લઈ જવું શરૂ કર્યું ત્યારે પાંચ શેર દાણા પેદા કરી લાવે તેમાં ટુંકા લહેણાવાળા ફાવવા દે નહિ. હજારનો એક સારો પણ પાંચ પાંચના પચીસ ખોટા એ વાત ખરી છે. મણ દાણા ભેગા ન થાય ત્યાર પહેલાં ધમકાવીને તાણી જાય. બીજુ દુઃખ કદાચ સહન થઈ શકે પરંતુ દેવા જેવું દુઃખ નહીં. કહ્યું છે કે દેવું આઠમો કોઢ છે. આ વખતે હરજીવનદાસને દેવાનું એવું દુઃખ હતું કે જેમ હરીશચંન્દ્રને સોના માટે વિશ્વામિત્રે આપ્યું હતું તેવું કહીએ તો પણ ચાલે. કારણકે તે રાજા હતા તો તેમને મોટું દુઃખ, આ ગરીબ તો એમને છોટું. પરંતુ કીડી ને તો પીસાબનો રેલો તરવોએ મુશ્કેલ પડે જ ને. વળી પડતી હાલત હોય તેમાં લોકોની કનડગત વધારે આવે. કેટલીક કનડગતોને લઈ એમને ગામ છોડી જવાનો વખત આવ્યો. ગામની ચોરીને પરદેશની ભીખ એ કહેવત પ્રમાણે હરજીવનદાસે વિચાર કર્યો કે ભલે બહારગામ જઈ ભીખ માગવી પણ ગામમાં રહેવું નથી. એવો વિચાર કરી પોતે એકલા જ નીકળ્યા ખરેખર જ્યારે માથે દુઃખ આવે ત્યારે સગુવ્હાલું કોઈ સગુ થતું નથી. પોતે રખડતા રખડતા વાઘોડીયા તાલુકામાં તવરા ગામ છે ત્યાં ગયા. ત્યાં એક છાપરી ભાડે રાખી તે પણ મળવાની ન હોતી પરંતુ મળી તેનું કારણ એ કે છાપરીમાં ભુતનો વ્હેમ હતો. જેથી એનો માલીક પણ બીજા મહોલ્લામાં ઘર રાખી રહેતો હતો જે કોઈ રહે તે સુખી થાય નહિ. જેથી કોઈ રહે નહી અને ખાલી પડેલી એટલે મળી. એમને પણ ત્યાંના લોકો કહેતા કે ભાઈ તમો આ છાપરીમાં સુખી નહી થાઓ કારણકે આ વ્હેમવાળી જગ્યા છે. જવાબમાં એ કહેતા કે ભાઈ મારી દશા એવી ભૂંડી છે કે હાલ તો મને દેખી ભૂત પણ ભાગી જશે. દુ:ખીયાને તો જંગલમાં વાઘ પણ ખાતો નથી કારણકે ભૂંડાને દેખી ભૂત નાસે એ કહેવત પ્રમાણે મારી હાલત છે એટલે મને કશું પણ નહી થાય અને થશે તો ભલે, કેમ કે દુઃખ હોય ત્યાં દુઃખ જ આવે, સુખ કદી આવે નહીં ત્યાં રહી પોતે છ આને મણ ડુંગરી લાવી વેચવી શરૂ કરી. બે ત્રણ ગામો રોજ ફરે, ગામમાં પણ વેચે. મહીને ને મહીને બે ચાર મણ કોદરા થાય તે ગાડી મારફત દેથાણ પોતાનાં માતાપિતા વાસ્તે મોકલાવે. પણ કહ્યું છે કે દુઃખ દશ ડગલાં આગળ ચાલે છે. ત્યાં ગયા પછી એમને ગળામાં રોગ લાગુ થયો તે ન બોલાય કે ન ચલાય, ખવાય પીવાય પણ નહીં. પૈસા વિના દવા કયાંથી કરે. તેમાં ત્યાં પણ એમને લોકોની કનડગત ગામ કરતાં વધુ હસતી. ગામના આગેવાન માણસો જ દુઃખ દે તેને કોણ કહેવા જાય. ટુંકામાં એમને લોકો તરફથી એવું દુઃખ હતું કે ખાતાંખાતાં પણ બોલાવે તો ઉઠીને દોડવું પડતું હતું. ઉપર કહ્યો તે રોગ પણ એમને મહાભારે થયો હતો. અગીયાર દીવસ તો એમના થી ખવાયું કે બોલાયું પણ નથી અને મટયો ત્યારે વગર દવાએ. તવારામાં એ કેવા દુઃખી થયા તેની ટુંકમાં વાત કરીએ. છ માસ સુધી એક જ ધોતીએ અને તે પણ ફાટેલું હોવાથી લંગોટો વાળીને જ ફરતા. એક બે દીવસે એકાદ ટંક અનાજ વિના પણ જતી. આવા દુઃખમાં પણ પોતાનાં માતાપિતાની મરજી ન છતાં એમની સ્ત્રીએ એમની સાથે રહી દુઃખમાં ભાગ લીધો છે. દેથાણ એમનાં માતુશ્રી દેવલોક થયાં તે વાતની પણ ખબર એમને મરણ પછી એક મહીને પડી હતી. ખબર મળ્યા બાદ દેથાણ જઈ પોતાના નાનાભાઈને તથા પોતાના પિતાને તેઓ તવરે તેડી લાવ્યા. મહોલ્લામાં નિશાળ હતી ત્યાં વાઘોડીઆ ના હેડમાસ્તર ધનજીભાઈ રઘુનાથજી વિઝિટ લેવા આવ્યા ત્યારે એમની સાથે એમણે વાત કરી કે સાહેબ મારે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવો છે માટે મને દાખલ કરો તો હું આવું. જવાબમાં તેઓ સાહેબ બોલ્યા કે હું તમારી સ્થીતી જાણું છું તમારા કુટુંબનો આધાર તમારી ઉપર છે તેનું કેમ કરશો ? હરજીવનદાસ બોલ્યા કે ગમે તે થશે પરંતુ મારે સ્કુલમાં આવવું જ છે. બીજે દિવસે નિશાળમાં નામ દાખલ કરાવી પોતે નિશાળે જવા લાગ્યા. સવારમાં શાકભાજી વેચી આવે, દિવસે અભ્યાસ કરવા જાય, રજાને દિવસે લોકોમાં મજુરી કરવા જાય, ઘણી અડચણ પડે ત્યારે પંદર દિવસની રજા લે ને આજવાના તળાવ પાસેનાં બિડાં સુધી પણ ઘાસ કાપવા મજુરીએ જાય. વાઘોડીયાના શેખ લોકોના ચારડાઓમાં પાણીમાં નીંદવા પણ જાય અને નિશાળે પણ જાય. આવું દુઃખ વેઠી છઠ્ઠું ધોરણ પસાર કર્યું. છઠ્ઠા ધોરણમાં પાસ થયા બાદ વાઘોડીયા તાલુકાનું ગામ ફલોડ કરીને છે ત્યાં નવ રૂપિયા પગારથી શિક્ષકની નોકરીમાં જોડાયા. આઠ નવ માસનો કરી કરી એવામાં પ્રભુકૃપાથી કોલેજનો હુકમ આવ્યો. હુકમ વાંચી પોતાની સ્ત્રીને તેમના પિયરમાં મૂકી આવી પોતાના પીતાને વેજલપુર ગામ આગળ વાઘોડીયા લાઈને પાટી વાળાની ઓરડીઓ છે ત્યાં પાટીના મુકરદમને સોંપણ કરી પોતના ભાઈને પાટીની નોકરીમાં દાખલ કરાવી પોતે કોલેજમાં ગયા. ત્યાં પણ એમને એક મહીના પછી સંગ્રહણી નો રોગ લાગુ થયો. રાત દીવસ ચુંક થાય. રોગ એટલા સુધી વધ્યો કે રૂના ડુચા રાખી ઉપર લંગોટી વાળી તેની ઉપર ધોતીયું પહેરે તો પણ ડુચા બે વખત દીવસમાં બદલવા પડે. રાત દીવસ ગુદા વાટે લોહી જ પડ્યા કરે. અનાજ પણ ખવાય નહીને કોલેજમાં અભ્યાસ કરવોએ તો એ જ કરે. ટુંકામાં એવા દુઃખમાં પણ પોતે પાસ થયા એટલું તો નહી પરંતુ નવ રૂપિયાની સ્કોલરશીપમાં વડોદરા જેવા શહેરમાં રહી અડતાળીસ રૂપિયા બચાવીને ઘેર લાવ્યા એવું તો એ જ કરે બીજાથી બનવું મુશ્કેલ છે. કોલેજમાં પાસ થયા બાદ એમને દેથાણમાં દાખલ થવાનો હુકમ મળ્યો. વિદ્યાને પ્રતાપે હરજીવનદાસે વતનનું મુખ ફરીથી જોયું. ઘેર આવ્યા ત્યારે તેમના ઘર ઉપર નળીયાં પણ રહ્યાં ન હોતાં. કારણકે જેઠ મહીને જે પોતાનું છાપરૂ ચાળે તેને ખોટ આવે કે હરજીવનદાસનાં ઘર ઉપરથી ઉકેલી જાય. એક બાજુનું પડાળ તદ્ન ખાલી કરી ઉઘાડું કરી નાખ્યું હતું. પોતે ઘેર આવ્યા પછી પોતાના પિતાને તથા પોતાના ભાઈને પોતાની પાસે બોલાવી લીધા. બધું કુટુંબ પાછું ઠેકાણે પડ્યું પરંતુ હરજીવનદાસને સંગ્રહણી નો રોગ ચાલુ જ હતો. એ પોતે બહારગામ હતા ત્યાંથી પણ બાર મહીને પાંચ-દશ કે પચીસ જે મળે તે દેથાણ આવી દેવા પેટે આપી જતા. કારણકે એમને દેવું વાળવાની બહુ ખંત હતી. તવરે એટલું દુઃખ પડે છતાં પણ સવારમાં ઉઠી દાતણ કરી પ્રભુ પાસે માગતા કે કોઇ પુન્યવાનને તું સુખ આપી તેનું દુઃખ તારી પાસે જમે હોય તો મારા તરફ મોકલી દેજે. કારણકે તું આપવા બેઠો ત્યારે મારે પણ મણ માથે તો અધમણ પાજેઠીએ નાખીશ.પરંતુ અંતે તારે જ હારીને મારી સહાય કરવી પડશે. કારણકે તેં ઘણા ભક્તોની અંતે સહાય કરેલી છે માટે મને તારો વિશ્વાસ છે આ દુઃખ તો શું પણ મારૂં શરીર પડતાં સુધી હું તને નહી ભૂલું એ યાદ રાખજે. આ ઉપરથી એમ સમજાય છે કે દુઃખ પડે ત્યારે હીંમત હારવી નહી પરંતુ ધીરજ રાખવી કારણકે હીંમતે મરદા તો મદદે ખુદા. એ કહેવત હરજીવનદાસને ફળીભૂત થયેલી નજરે જોવામાં આવી છે. હજી પણ એમને વ્યવહારિક બાબતનું આવૃણ વધારે વેઠવું પડે છે. હવે એ ભક્તિના રસ્તા ઉપર ચઢ્યા તે વાત કહીએ. હરજીવનદાસ છ સાત વર્ષના હતા ત્યારથી એમનાં માતાપિતા જંગલમાં બંગલી પર રહેતા એ વાત ઉપર આવી ગઈ છે. એમના પિતા નિરાંતપંથી ભક્ત હતા તેથી રાત્રે ભજન ગાય, નવરાશના ટાઈમે સારી વાતો કરે તે સાંભળવામાં આવે, સવારમાં ઉઠી દેવસેવા કરે તે જોવામાં આવે. ઉઠતાં બેસતાં પોતાનાં માતપિતા સામું જોવાનું, કોઇ બીજાનો સહેવાસ એમને જંગલમાં ક્યાંથી હોય. એમના પિતા ભણેલા હોવાથી ભજન કીર્તનની ચોપડીઓ વાંચે, બુધ્ધિ પ્રમાણે સમજાવે તે ઉપરથી એમને નાનપણથી જ ભક્તિનો રસ લાગયો હતો. કહેવત છે કે જેવો સંગ તેવો રંગ. ધીમે ધીમે હરજીવનદાસ પણ ભજન કીર્તન બોલે વળી પોતાના પિતા પાસે તેના અર્થ કરાવે એમ કરતાં કરતાં નીરાંતનું બનાવેલું એક ભજન છે તે સાંભળી એમને સચોટ લાગી ગઈ. તે ભજનની છે પ્રમાણે છે.

રાગઃપ્રભાત
નારાયણ નું નામ જ નૌતમ,
ના ભજે નરને નારી રે;
ધીક્ધીક્જનુની તેની કહીએ,
જન્મ્યો તે ઝખ મારી રે. નારાયણ૦૧

આઠપહોર આશકની વૃતિ,
રામ ના રાખ્યા હૈયે રે;
જેના પુત્ર પ્રભુના ભજતા,
ગોકુળ વાળ્યું છૈયે રે. નારાયણ૦૨

હરી મળવાને આવ્યો અવસર,
ઉંઘે અમથો ખોયો રે;
વાસીદામાં ગયું મુસળું,
જુઠે જન્મ વગોયો રે. નારાયણ૦૩

પરમાર્થની પેર ના પ્રીછે,
સ્વાર્થમાં છે શુરો રે;
નાક વિના નારાયણ ભૂલ્યો;
અર્થ રહ્યો અધુરો રે. નારાયણ૦૪

નુઘરા જનના ભારે ભૂતરમાં,
ભારે ભૂમી ધ્રૂજેરે;
નીરાંત કહે નારાયણ ભજતાં,
પૃથ્વી પગલાં પૂજે રે. નારાયણ૦૫

આ ભજનના અર્થ વારંવાર એમને સાંભળવા સારા લાગે. આ ભજન વારંવાર પોતે ગાય. એમ કરતાં એક દિવસ શ્રી નિરાંત પંથની મુખ્ય ગાદીના મહંત શ્રી નથુદાસજી કોઇની સાથે એમ વાત કરતા હશે કે ભાઈ હાથીભાઈનો છોકરો એ ભજન કીર્તનમાં સારો ઉતર્યો કારણકે એને ભજન ઉપર વધારે લક્ષછે. આગળ એ છોકરો ભક્ત જ થશે. મારો એની ઉપર અત્યંત ભાવ છે. આ વાત એમણે મચકુર ગામના લક્ષ્મણ ધર્મદાસને કહેલી તે જ્યારે પુનમ ઉપર મંદિરમાં ભજન કરવા ગયા તે વખતે શ્રી નથુદાસ પાસે ગામના એક બે મણસો બોધ લેવા બેઠા તે જોઈ પેલા માણસને પેલી વાત યાદ આવતાં હરજીવનદાસને બારણે બોલાવી પેલા માણસે મહારાજની કીધેલી બધી વાત જણાવી તે ઉપરથી હરજીવનદાસને એમ જ લાગ્યુંકે આ વખતે ગુરૂનો ભાવ છે તો એ જ ભાવ મને જરૂર ફળીભૂત થશે માટે આ વખત જ બોધ લેવો એ વધારે ઉતમ છે. તુર્ત પોતે કપડાં ઉતારી હાથ પગ ધોઈ મહારાજને પગે લાગી બોધની માગણી કરી. મહારાજ નથુદાસનો તો ભાવ હતો જ એટલે તેમણે ઘણાં ઉમંગથી એક જ શબ્દ કહ્યો કે જા ભાઈ, આ તારૂં શરીર રૂપી ક્ષેત્ર છે એને ચોક્ખું કર એટલે તું તારા આત્માને ઓળખીશ. આટલો જ બોધ હરજીવનદાસને પોતાના ગુરૂએ આપેલો છે. જે વખતે એમણે બોધ લીધો તે વખતે એમણે ગુરુ માટે ગાદી કે ભેટ કંઈ પણ કર્યું નથી માત્ર ભાવ અર્પણ કરતાં ભાવ જ ફળીભૂત થયો છે. સંવત ૧૯૬૯ના મહા સુદ પૂનમે એમણે ઉપદેશ લીધોતે વખતે માત્ર એમની ઉંમર આશરે અગીયારેક વર્ષની હોવી જોઈએ. ઉપદેશ લીધા પછી પોતે ઘણે ભાગે ગુરૂ પાસે જ રહેતા. લોકો એમનાં માતા પિતાને કહે કે આ છોકરો તમારૂં ભલું કરવાનો નથી એ તો બાવો જ થશે. એ સાંભળી પોતાનાં મા બાપનાં દીલ નારાજ થતાં. કેટલાક કહે કે અત્યારથી એને ધોળાં ટીલાં શાં,વળી માળાઓ પણ શી. ધંધામાં ચિત્ત રાખતો નથી એટલું ભજનમાં રાખે છે. ઉઠ્યોને નાથા ભક્તનું ઘર. કોઇ કહે તે તો માનવું જ નહિ. એવી એવી વાતો કરી એમનાં માતાપિતા નું મન ઉંચું કરે તેમાં એમના પિતાને તો કંઈ નહિ પરંતું એમના માતુશ્રી આવું સાંભળે તેથી એમના દિલમાં દુઃખ થાય ત્યારે ખીજવાય ને કલેશ કરે . ત્યારે હરજીવનદાસ કહે હું તમારી સેવા મૂકી બાવો શું કામ થાઉં. માતાપિતાની સેવા, સંત સાધુ નો સમાગમ ગુરૂ ઉપર નિષ્ટાએ જ મનુષ્ય દેહ ધર્યાનો ધર્મ છે. આ ઉપરથી એમ સમજાય છે કે માતાપિતાનો આશિર્વાદ, ગુરૂકૃપા તથા સંતનો સહેવાસ એ જ પ્રભુ રાજી કરવાનો સહેલો ઉપાય છે પરંતુ એ બધું ક્યારે બને કે આપણા માં નીતિ હોય તો જ. કહ્યું છે કે નીતિ એ નારાયણ વસે. જ્યારે એ ફરીથી દેથાણ આવ્યા ત્યારથી એમણે પોતાનું ગામ સુધારવા તથા લોકોપયોગી કામોમાં ચિત્ત પરોવ્યું. મહેલ્લે મહેલ્લે રાત્રે ભજન કરી બોધ કરી બોધ આપવા માંડયો. ભજન ગાય, સમજાવે, એમ કરતાં કરતાં ગામમાં સારો સુધારો કર્યો. એ સને ૧૯૨૧ માં દેથાણમાં આવ્યા ત્યારથી તે અત્યાર સુધીમાં મહાદેવના પુંજારીને રહેવા માટે છાપરૂં ન હોતું તે પણ થયું તથા તળાવ પણ ફાળો કરી થોડું ઘણું ખોદાવ્યું. ગામની ધર્મશાળામાં કામડાં ભરી પોતાની સ્ત્રી પાસે જ લીપાવી સાધુ સંતને પડી રહેવા માટે સ્વચ્છ જગા બનાવી. એમની સ્ત્રી જ્યારે ધર્મશાળા લીપતાં ત્યારે લોકોનાં બૈરાં જતાં આવતાં કહેતાં કે મારૂં પણ ઘર લીપી આપજો હું પણ પૈસા આપીશ આવી મશ્કરીઓ કરતાં. ગામમાં નિશાળનું મકાન ન હોતું તે પણ લોકોને સમજાવી ઘેર ઘેરથી કપાસ ઉઘરાવી માથે પોટલાં ઉંચકી રૂપિયા ભેળા કર્યાં. ખુટ્યા ત્યારે મચકુર ગામના શાહ ડાહ્યાભાઈ હીરાચંદ પાસે જઈ કહ્યું કે શેઠ હું આપની પાસે ભીખ માગવા આવ્યો છું મને ખુટતી રકમ આપો જેથી નિશાળનું મકાન બંધાય અને આપણને બચ્ચાંના આશીર્વાદ મળે. જેથી શેઠે ખુશ થઈ એમને રૂ. ૪૦૦/-ખુટતા આપ્યા. રૂપીયા ૧૦૦૦/- ની રકમ ભેળી કરતાં કરતાં એમને ઘણું જ વિત્યું છે. પરંતુ હજાર ભેળા કરી સરકારમાં ભરી નિશાળનું મકાન પાકું બંધાવા તજવીજ કરવી તે પણ પાર પાડી છે. હજી સુધીમાં એ કેટલોક વધારે સુધારો કરત પરંતુ ગામને ગુણ નહિ ને મડાને શણગાર નહિ એ કહેવત પ્રમાણે એમની ચઢતી કળા તથા આવાં સારાં કામ કરતા જોઈ લોકોને ઉલટી અદેખી આવી જેથી કેટલાક આગળ પડતા જ માણસો બીજા લોકોને સમજાવવા લાગ્યા કે કાલે અત્યારે ચોરાશીમાં રખડી ખાતું હતું તેનું શું આજ આપણે કહેવું માનીએ. આવી તેવી ખોટી ખોટી વાતો કરી એમનું ચાલવા જ દીધું નહિ. અને વળી એમને જ્યારથી શ્રી નિરાંત પંથની મૂળ ગાદીના મહંત તરીકે નીમ્યા ત્યારથી તો લોકો વધારે અદેખી કરવા લાગ્યા. કારણકે જે દુર્ગુણી હોય તેને સારૂં કામ ગમે જ નહિ. અત્યારે એમણે પોતાના જ ખર્ચે મંદિરમાં સદાવ્રત કાઢ્યું છે. અઢારે વર્ણ માટે પાણીની પરબ, મફત દવા આપે છે. દવા લેવા આવે તે રાત રહે તેમની ખાવાપીવાની સવડ પણ સારી કરે છે. એટલું જ નહિ પણ તેમને ભજન કિર્તન સંભળાવી બુધ્ધિ પ્રમાણે જ્ઞાન પણ આપે છે તેમાં કંઈ પણ આશા સિવાય. એમને કેટલાક પંથના હરીજનો કહે છે કે તમો ફરવા નિકળો જેથી મંદિરનો ખર્ચ પુરો થાય. ત્યારે એ કહે છે કે ભાઈ ભીખ માગીને મંદિરમાં બેસી પરમાર્થ કરવું એ તો વાટમારી વૈરાગી જમાડ્યા જેવું થાય. મારા માગવા કરતાં તમોને જો એમ લાગતું હોય કે અહી કંઈ પરમાર્થ જેવું થાય છે તો તમો વગર માગ્યે આવીને આપો તો ભેળે ભેળું તમારૂં પણ વપરાશે. કારણકે આપે એનું પુન્ય; તેમાં મારે માગવાનું હોય જ નહિ. મેં જે પાસ્યું છે તે હું જ રંગીશ તેમાં કોઈક ભાવિકનું આવશે તેવા પરીશ નહિં તો હજી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું માગવું એ ઉત્તમ માનતોનથી .ક્ષાનની બાબતમાં પણ જ્ઞાતિ અભિમાનીઓ તથા મિથ્યા આડંબરવાળા એમને વારંવાર સતાવે છે. કોઇ કહે તમો ન્યાતેની ચાછો, કોઇ કહે ત્મો કયાં ત્યાગી છો, કોઇ કહે તમારી ભાષા શુધ્ધ નથી. પોતે નિરાંત પંથની મૂળ ગાદીના મહંત છે છતાં અંગના મંદિરો બીજાં છે ત્યાં નામ હંતો પણ એમની નીંદા કરે છે. તો પણ એ પોતે કશું મનમાં લાવ્યા સિવાય જે કોઇ મંદિરમાં આવે તેની સેવા બનતી બજાવ્યે જાય છે. કેટલાક પંથની ગાદીઓવાળા તો કહે છે કે અમોને બોલાવો તો આવીએ. જવાબમાં પોતે કહે છે કે ભાઈ તમારો ગુરુદ્વારો છે ગુરૂનાં દર્શન કરવા આવવું તેમાં મારે બોલાવવાનું ન હોય તમો આવો તો તમારી બનતી સેવા કરવી એ મારો ધર્મ છે. પરંતુ તમારા ગુરૂનાં દર્શન તમારે કરવાં એમાં મારે બોલાવવાનું હોય જ નહિ. મારે તો તમો આવો એટલે તમારી સેવા જ કરવાની બીજું ત્રીજું હું કંઈ જાણું નહિ. એમને જે જે લોકોએ પૂછપરછ કરેલી તે બાબતનાં પદો પણ એમણે કેટલાંક લખ્યાં છે . છેવટ ખરૂં શું છે તે પોતે પદોમાં જ તેમને જણાવી આપ્યું છે . વ્યવહારિક બાબતમાં પણ જયારે જ્યારે એમને કનડગત થતી ત્યારે પોતે મનહરોમાં જેવી તે તે બાબતો લખતા. ઘણા ખરા મનહરોમાં પોતે વીતેલી વાતો પણ લખી છે. જ્યારે એમને નિરાંત પંથની મુળ ગાદી એમના ગુરૂએ આપી ત્યારે એમણે પોતે કહ્યું હતું કે હું મહંત થવાને લાયક નથી અને મારે મોટા પણ થવું નથી. વળી મંદિર ટુટે –ફાટે ત્યારે મારે ભીખ માગવા જવું પડે તેમને પસંદ નથી. હું તો હરજીવનદાસ તરીકે લાયક નથી તો મહંતની પદવી મને ન શોભે. વળી હું મહંત છું એવો ગર્વ કોઈ દિવસ પણ મારામાં આવી જાય માટે પંથમાં અગર તમારા કુટુંબમાં કોઈ લાયક હોય તેને આપો. છેવટે પોતાના ગુરૂ નથુદાસે કહ્યું કે ભાઈ હું શું તને મહંતની પદવી આપું. નિરાંત પંથની મૂ. ગાદી તારી જ છે કારણકે શ્રી નિરાંત બોલ્યા છે કે -

સવાયા
રાજાનો જે પુત્ર હશે ડહાપણમાં જો ડાહ્યો થશે,
ઈન્દ્રીજીત ને મહિમાવાન રાજા સુણે કાને કાન;
એથી ગાદી શું અદકી થઈ નીરાંત પણ પીતાનું પાળે સહી.

શ્રી નિરાંતે કીધેલી બધી બાબત હું તારામાં જોઉં છું વળી પચીસ માણસો વચ્ચે પોતે એમ પણ બોલી ગયા કે ભાઈ મને તો એમ લાગે છે કે જાણે તું નીરાંતનો અવતાર જ ન હોય ! તારા વખતમાં મારાથી સવાયું ચાલશે એટલું તો નહીં પરંતુ દવાના કામમાં પણ તું આગળ પડીશ માટે પરબનું માટલું તોડીશ નહિ. હરજીવનદાસે કહ્યું, મહારાજ આપનું વચન ફળીભૂત થાઓ. એ પ્રમાણે ફળીભૂત પણ થયેલું અમો નજરે જોઈએ છીએ. નહીં તો એ એટલા બધા ગ્રહસ્થી નથી તે આટલો મંદીરનો ખર્ચો પૂરો કરે. મફત દવા તે વળી આવનારને ખાવા પીવાની સગવડ સાથે. પાણીની પરબ તથા સદાવ્રત અને મંદીરનો ટુટ્યા ફાટ્યાનો ખર્ચ. એ આવ્યા પછી મંદીરમાં એમણે સાતસો રૂપીયા જેટલો સુધારો કર્યો છે તેમાં બહારની આવક સવા ત્રણસો જેટલી આવી તે દરેક આવનાર જનાર જાણે છે. પોતે જાતે ધંધો કરી ખર્ચો પૂરો કરે છે તેમાં કોઇ ભાવીક હોય મદદ કરે તો ઠીક, નહીં તો કોઇની પાસે માગવું નહીં એ તો એમણે નીયમ જ લીધો છે. પોતે ભજનને અર્થે નવરાશ હોય તો બહારગામ જાય છે પરંતુ એમની જાતનો ખર્ચ પણ જેને ત્યાં જાય તેને પડે જ નહીં કારણકે – ઘી – ગોળ – ઘઉં આ ત્રણ ચીજ હજી સુધી ખાતા જ નથી. જે તેનાં છોકરાં ખાય તે એમને ખાવાનું. પોતાના મંદીરમાં કોઇ આવે તેને તેની ખાધેલી થાળી કે પીધેલું પવાલું પણ અજવાળવા દેતા નથી. અત્યારે તો એ એમની સ્ત્રી બન્નેમાં સેવાનો જ ગુણ જોવામાં આવે છે. કોઇ કહે તમો દવાને માટે જુજજા જ ફી રાખો, ત્યારે એ કહે છે કે પૈસા કરતાં અંતરનો આશીર્વાદ મેળવવો એ વધારે ઉત્તમ છે. તે વાત ખરી કારણકે એ કંઈ એટલું બધું સંસ્કૃત કે વેદશાસ્ત્ર કે પીંગળના પાઠ ભણ્યા નથી. ઉપર કહેલું બધું એ કરી શકે છે તે માત્ર ગુરૂકૃપા જ છે. મોઢે મીઠું બોલીને મુખ રીઝાવવું તે કરતાં કરી જાણીને અંતર રીઝાવવું એ એમને વધારે પસંદ છે. એનું જ નામ ખરી ભક્તિ છે. માત્ર આત્મસેવા એ સાચું કર્મ છે એટલું જ એ સમજ્યા છે. સેવા-ભક્તિનો ગુણ એમનામાં વધુ જોવામાં આવે છે. એમનું ઘણી વખત એવું કહેવું છે કે સાચ – દયા – સંતોષ – વિવેક – ક્ષમા વગેરે, પ્રભુના અંગો છે તેમાનું એક પણ પકડાય તો પ્રભુ હાથ આવે. પરંતુ ગુરૂકૃપા મેળવ્યા સિવાય એ પકડી શકાય નહીં. કારણકે ભાવ વિના ભક્તિ ન થાય, ભક્તિ વિના ગુરૂ રીઝે નહી ગુરૂ રીઝ્યા સિવાય આત્મ ઓળખાય નહીં, આત્મ ઓળખ્યા સિવાય સદ્ગુણો ટકી શકે નહીં, સદ્ગુણો ટ્ક્યા સિવાય પ્રભુ હાથ આવે નહીં, શાથી કે સદ્ગુણો એ જ પ્રભુનું અંગ છે એમ ઉપર કહ્યું છે. અંગનો કોઇ પણ ભાગ પકડાય એટલે પ્રભુ પાસે જ છે માટે બધું મૂકી દઈ પહેલી ગુરૂકૃપા મેળવવીએ એમનું વારંવાર કહેવું છે. પણ સેવા સિવાય એ બને જ નહિ. બધી સેવા કરતાં ગુરૂ વાકયનું સેવનએ ઉત્તમ સેવા છે. એમના અત્યાર સુધીના જીવન વૃતાંત પરથી એમ લાગે છે કે એમને વિદ્યા પ્રાપ્ત કરતાં જેમ અર્જુનને દુઃખ પડ્યું તેવું પડ્યું છે. ગ્રહસ્થાશ્રમમાં સુદામાને વિત્યું છે તેવું જ એમને પણ વિત્યું છે. એમના ઉપર સગાંનો પ્રેમ પણ જેવો તુલસીસ્વામીને પોતાનાં સસરાએ બતાવ્યો હતો તેવો જ જોવામાં આવી ગયો છે. ત્યારે પિતરાઈઓએ પણ જેવું કૌરવોએ પાન્ડવોને વિતાડ્યું હતું તેવું જ વિતાડ્યું છે એમને કન્યા પણ નરસીંહ મહેતાના શામળીયાને મળી એવી રીતે જ મળી છે ગામ લોકોએ પણ નરસિંહ મહેતાના જેવો સંબંધ રાખ્યો છે તે નજરે જોવામાં આવે છે. ત્યારે પ્રભુની દયા પણ કેટલી છે કે સમય આવ્યે પ્રભુ એમની લાજ રાખે છે. ત્યારે એ પણ દરેક પંથના સાધુ સંતની સેવા કંઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય બને તેટલી કરી રહ્યા છે. ગામની સેવા પણ દવા વગેરે બાબતમાં સારી કરી રહ્યાં છે. એમનો સ્વભાવ સાદો, પહેરવેશ સાદો,ખોરાક સાદો, ભાષા ગામઠી તથા તેમનામાં ધીરજનો ગુણ સારો છે. પહેલેથી ઘણા ગરીબ કુટુંબમાં ઉછરેલા હોવાથી એમનામાં માન, મોટાઈ વગેરે અભિમાનનો ગુણ જોવામાં આવતો નથી.

શા. ડાહ્યાભાઈ હીરાચંદ જેન મુ. દેથાણ.

શ્રી નિરાંત મહારાજ


॥ કુલં પવિત્રં જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન । અપાર સંવિત્સુખ્સાગરેડસ્મિન લીનં પરબ્રહ્મણિ યસ્ય ચેતઃ ॥

ભાવાર્થઃ- અપાર જ્ઞાન અને સુખના સાગરરૂપ પરબ્રહ્મમાં જેમનું ચિત્ત લીન થયું છે, એવા મહાત્માઓ જે કુળમાં જન્મ્યા હોય તે કુળ પવિત્ર છે, જે માતાની કૂખે જન્મ્યા હોય તે માતા કૃતાર્થ છે અને જે ભૂમિ પર તેઓ જ્ન્મ્યા હોય તે ભૂમિ પણ ભાગ્યશાળી છે.

અપાર જ્ઞાન અને સુખ ના સાગર રૂપ પરબ્રહ્મમાં જેમનું ચિત્ત લીન થયું છે એવા મહાત્મા પુરુષોને જન્મ આપી પોતાને પુણ્યશ્ર્લોકી અને કૃતાર્થ કહેવડાવવાનું સુભગ ભારતમાતા ને નિત્ય પ્રાપ્ત છે.

તેના મહાન પુત્રોએ પોતાને વારસામાં મળતા અમર્યાદ સમ્યક્ જ્ઞાનની પ્રભા એકલા ભારત વર્ષમાં જ નહિ, પરંતુ દરિયાપારના દેશો સુધી ફેલાવી છે. જ્યારે જ્યારે અધર્મની વૃધ્ધિ થઈ ધર્મની ક્ષતિ થઈ છે ત્યારે ત્યારે ભારત માતાએ શ્રીમદ્ આધ શંકરાચાર્ય, શ્રી દયાનંદ સરસ્વતી, શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી વિવેકાનંદ તથા સ્વામી રામતીર્થ જેવા ધર્મ ધુરંધર પુત્રોને જ્ન્મ આપી, ભારતીય સંસ્કૃતિના આધારરૂપ ધર્મનું અવિચ્છિન્ન રક્ષણ કર્યું છે.

આવા મહાન પુરૂષોનાં જીવન ચરિત્રો, આધ્યાત્મિક ઉન્ન્તિને પંથે પ્રયાણ કરનાર મનુષ્ય ને એક ભોમિયાની – માર્ગ દર્શક્ની ગરજ સારે છે. એથી જ આવા મહાન પુરુષોનાં જીવન ચરિત્રો તેમની હયાતિમાં અથવા હયાતિ બાદ જનસમુહના ભલાને માટે છાપવા છપાવવાની પ્રણાલી જયાં ત્યાં ચાલી રહી છે.

આજે એવા જ એક મહાત્મા પુરુષનું જીવન ચરિત્ર છપાય છે કે જેમણે કેટલાયે પાકૃત જીવોનો મોક્ષનો માર્ગ સરળ કરી આપ્યો છે. આ મહા પુરુષનું નામ શ્રી નિરાંત મહારાજ છે. "નિરાંત"! કેવું સંજ્ઞા વાચક નામ. નિરાંત એટલે શાન્તિ જ, સર્વ પ્રકારની ઉપાધિઓ થી રહિત પણું. આ નિરાંત મહારાજે શાશ્વત શાન્તિ મેળવી, પોતાના નિરાંત નામની સાર્થકતા સિધ્ધ કરી છે.

શ્રી નિરાંત મહારાજનો જન્મ કરજણ તાલુકાના દેથાણ ગામે ગોહેલ કુળના રજપુત કુટુંબમાં વિ.સં. ૧૮૦૩માં થયો હતો. તેમના પિતાનું નામ ઉમેદસિંહ અને માતાનું નામ હેતાબા હતું. ઉમેદસિંહ સદાચારી અને ભકિત ભાવવાળા હતાં. હેતાબા પણ પતિ-ભક્તિ પરાયણ અને પ્રેમાળ હતા. બાળકએ માતા પિતાની ભાવનાનું પ્રતિબિમ્બ છે. આ સિધ્દ્ધાંતાનુસાર પવિત્ર સદાચારી અને ભક્તિ ભાવવાળાં માતાપિતાના બન્ને પુત્રો જાલિમસિંહ તથા શ્રી નિરાંત મહારાજ સદપુત્રો જ હતા.

મોટા ભાઈ જાલિમસિંહ ખાસ કરીને વ્યવહાર કુશળ હતા જ્યારે નાના ભાઈ શ્રી નિરાંત મહારાજ ભક્તિ ભાવવાળા હતા. શ્રી નિરાંત મહારાજને સાત વર્ષની ઉંમરે પોતાના ગામની ગામઠી નિશાળે ભણવા બેસાડ્યા. આ અરસામાં હાલની જેમ સરકારી નિશાળો ન હતી અને વાંચવા લખવાનાં આવા સાધનો પણ ન હતાં. ગામ લોકો તરફથી ગામઠી નિશાળ કાઢવામાં આવતી અને કોઈ સારા અનુભવી ચારિત્ર્યવાન બ્રાહ્મણને મહેતાજીનું પદ આપી તેમના દ્વારા છોકરાઓ ને વાંચનનું તથા વ્યવહારમાં જરૂરી જેટલું ગણિતનું જ્ઞાન આપવામાં આવતું. લખવાને માટે સ્લેટ પેનને બદલે લાકડાની એક લંબ ચોરસ પાટી અને લાકડાની અણીદાર સળી કે જેને વતરણું કહેવામાં આવતું, આ બે વસ્તુઓ હતી. આ પાટી પર સારી ઝીણી ધૂળ પાથરી લાકડાની સળી વડે લખવામાં આવતું. છતાં આશ્ચર્યની વાતતો એ છે કે લાકડાની પાટી પર ધૂળ નાખી ભણેલા તે સમયના શ્રી પ્રીતમદાસ, અખો ભગત, ધીરા ભગત, ભોજા ભગત વગેરે મહાન ભકત, જ્ઞાની અને કવિ થઈ ગયા. વર્તમાન સમયે જ્યારે ગામે ગામ નિશાળો સ્થપાઈ છે અને ફરજીઆત કેળવણી અપાય છે, છતાં આજના ભણેલાઓ માંથી ઉપર જણાવી ગયા તેવા જ્ઞાની કવિ કે ભક્ત ભાગ્યે જ નીવડે છે.

શ્રી નિરાંત મહારાજના નપણ થી જ કથા વારતા ના બહુ જ પ્રેમી હતા અને તેમાંય વળી બ્રાહ્મણ મહેતાજી ને હાથે કેળવાયા એટલે પ્રેમ દઢ તર બન્યો. ગામમાં પુરાણીની કથા ચાલતી હોય તેમાં નિરાંત મહારાજ એક પણ દિવસ પડવા દેતા નહિ. ગામમાં ઓચ્છવ મંડળ હતું, તેમાં મુખ્ય ઓચ્છવીઆ શ્રી નિરાંત મહારાજ હતા. પોતે એટલું સારૂં ગાતા કે ગામ લોકોને એમનું ગાવું વ્યસનરૂપ થઈ પડ્યું હતું. શ્રી નિરાંત મહારાજનું લગ્ન સોળ વર્ષની ઉંમરે ભરૂચ તાલુકાના તરાસરા ગામે પરમારોમાં થયું હતું. તેમનું બીજું લગ્ન કરજણ તાલુકાના સંભોઇ ગામે મોરી પરમારોમાં થયું હતું. પ્રથમ પત્નિ કુંવરબાઈ થી તેમને નરેરદાસ, રૂઘનાથભાઈ અને ખુશાલભાઈ એમ ત્રણ પુત્રો, દુધીબા તથા અમૃતબા નામે બે દીકરીઓ અને બીજાં પત્નિ સીતાબા થી રણછોડભાઈ, દાદાભાઈ, દસાઈભાઈ, બાવાભાઈ અને હીરાભાઈ એમ પાંચ પુત્રો અને બે દીકરીઓ ની પ્રજા હતી.

શ્રી નિરાંત મહારાજ સ્વભાવે પ્રેમી તથા મળતાવડા હોવાથી નાત જાતમાં તેમનું સારૂં માન હતું. પાદરા તાલુકાના કણઝટ ગામે તેઓશ્રીનું સગુ હોવાથી તેમને વારંવાર કણઝટ (હાલ માસરરોડ નામે ઓળખાય છે) જવાનું થતું. કણઝટમાં ગોકળદાસના મેરા માનંદી સાધુ હતા. તે સારા જ્ઞાની અને ભજની પુરુષ હતા. શ્રી નિરાંત મહારાજ સત્સંગનો લાભ લેવા તેમની પસે જતા. શ્રી નિરાંત મહારાજની સમજ શકિત, ભકિત ભાવ અને જ્ઞાનની જીજ્ઞાસા જોઈ ગોકળદાસ શ્રી નિરાંત મહારાજ પર ઘણાં જ ખુશ થતા. આમ ઘણાં વખત ના સત્સંગને પરિણામે શ્રી નિરાંત મહારાજને "નામ"નો ઉપદેશ કર્યો કે જે નામના બોધ વડે કરીને મામુલી જેવા તુકારામ, તુલસીદાસ, સૂરદાસ અને કબીર વગેરે મોટા મહાત્મા પુરુષો થઈ ગયાં કે જેમના પુણ્યસ્મરણીય નામો લોકો આજે પણ પ્રેમ પૂર્વક સંભાળે છે. શ્રી નિરાંત મહારાજ પણ નામનો ઉપદેશ પામીને સાચા જ્ઞાની નીવડ્યા. હવે તો લોકો શ્રી નિરાંત મહારાજ પાસે ઉપદેશની માગણી કરવા લાગ્યા. પરંતુ શ્રી નિરાંત મહારાજે પોતાના ગુરુની હયાતિ સુધી ઉપદેશ આપવાનું કામ કર્યું નહિ, પોતે જ્યાં જ્યાં જતાં ત્યાં કેવળ ભજનાનંદ કરાવતા. પોતાના ગુરુના વિદેહ થયા બાદ શ્રી નિરાંત મહારાજે ઉપદેશ આપવાનું કામ શરૂ કર્યું. પૂજાવાને બદલે પૂજાવાના નિરમાની સ્વભાવને લઈને ઘણા માણસો એ નાતજાતનાં અભિમાન મૂકી દઈ શ્રી નિરાંત મહારાજ પાસે ઉપદેશ લીધો.

શ્રી નિરાંત મહારાજે સૌથી પ્રથમ ઉપદેશ મિયાગામના વતની રજપુત જ્ઞાતિ ના ભીખાભાઈ મીયાવતને આપ્યો. વાગરા તાલુકાના તેલોદ ગામના પટેલ નરેરભાઈ ને શ્રી નિરાંત મહારાજની ખ્યાતિ સાંભળી તેમને પોતાને ઘેર તેડવાનો વિચાર થયો. તે દરમ્યાન મિયાગામ વાળા પોતાના સ્નેહી ભીખાભાઈ પોતાને ઘેર આવ્યા. ભીખાભાઈ એ માળા તથા તિલક ધારણ કરેલાં જોઈ નરેરદાસે પૂછયું "તમે કોઈની પાસે ઉપદેશ લીધો કે શું?" ભીખાભાઈએ પોતે શ્રી નિરાંત મહારાજ પાસે ઉપદેશ લીધો તે વાત કહી સંભળાવી, આ ઉપરથી નરેરદાસે ભીખાભાઈ ને શ્રી નિરાંત મહારાજને તેડવા મોકલ્યા. શ્રી નિરાંત મહારાજ ગામમાં પધારે છે એમ જાણી ગામ લોક બધા ભાગોળે સામૈયું કરવા ગયા. વાજતે ગાજતે ગામમાં તેડી લાવી નરેરદાસ પટેલે શ્રી નિરાંત મહારાજની પોતાને ઘેર પધરામણી કરી. રાત્રે શ્રી નિરાંત મહારાજનું ભજન સાંભળવા નરેરદાસ ને ઘેર ગામ લોકોની ઠઠ બાઝી. ભજન થઈ રહ્યા બાદ નરેરદાસને, મકનદાસ અને વણારસી બાપાએ શ્રી નિરાંત મહારાજ પાસેથી ઉપદેશ લીધો સંવત ૧૮૫૧. બીજે દિવસે ગામના લગભગ બધા જ માણસોએ શ્રી નિરાંત મહારાજ પાસે ઉપદેશ લીધો. પોતાના આ પ્રેમી શિષ્યોના આગ્રહને વશ થઈ શ્રી નિરાંત મહારાજ કેટલાક દિવસ તેલોદ ગામમાં રહ્યા. શ્રી નિરાંત મહારાજ હવે ઉપદેશ આપે છે એ વાત પવનવેગે પ્રસરી અને ગામે ગામથી શ્રી નિરાંત મહારાજને આમંત્રણ આવવા લાગ્યાં. શ્રી નિરાંત મહારાજ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સંખ્યાબંધ માણસો તેઓશ્રી ના શિષ્ય થતા. આમ શ્રી નિરાંત મહારાજનું શિષ્ય મંડળ સમુદ્રની ભરતી ની માફક ઉભરાવા લાગ્યું. ટૂંકમાં કહીએ તો પૂર્વમાં ડભોઈ થી માંડી રેવાકાંઠા સુધી, પશ્ચિમે કાવી થી માંડી દહેજ, ભાડભૂત અને ભૂવા સુધી, અને ઉત્તરમાં મહિસાગરથી માંડી દક્ષિણમાં સુરત સુધી શ્રી નિરાંત મહારાજના હજારો શિષ્યો થયા.

આ વખતે શ્રી પ્રીતમદાસ, શ્રી સહેજાનંદ શ્રી કુબેર દાસ વગેરે ધર્મનો પ્રચાર કરી, પોતપોતાના સંપ્રદાય સ્થાયી મંદિરો બંધાવતા હતા. શ્રી નિરાંત મહારાજના શિષ્યોને પણ પોતાના સંપ્રદાયનું ધામ બાંધવાની ઈચ્છા થઈ. શ્રી નિરાંત મહારાજે શિષ્યોના મનનું સમાધાન કરતાં કહ્યું, ભાઈઓ, આ સઘળી પ્રવૃતિ શરૂઆતમાં સારી લાગે છે, પરંતુ ખરી રીતે એ કલહનું મૂળ છે. સંપ્રદાય સ્થાપી મંદિરો બાંધવા માટે હરિજનો પાસેથી પૈસા ઉઘરાવવા પડે, મંદિરોમાં સાધુઓ રાખવા પડે, એ સાધુઓની આજીવિકા હરિજનો ઉપર રાખવી પડે જેથી આગળ જતાં એ સાધુઓ હરિજનો ને બોજ રૂપ થઈ પડે. વળી સાધુઓની સારી નરસી ચાલ માટે તકરાર ઉપસ્થિત થાય, તેમ જ ગાદીના વારસાઈ હક્કો માટે પણ ઝઘડા ઉભા થાય. આવાં આવાં અનેક કારણોથી આખરે સંપ્રદાયની પડતી થાય. પૂર્વે જે જે સંપ્રદાયો તૂટ્યા છે તે આવા જ કારણોને લઈને, માટે આપણે તો એ ઉપાધિમાં પડવું નથી. આપણે તો જેમાં ભક્તિ અને જ્ઞાન જળવાઈ રહે એવો જે ઉત્તમ નિવૃત્તિ માર્ગ ચલાવીએ છીએ એનિ વૃત્તિ માર્ગની જ્ઞાન ગાદીઓ સ્થાપી એ. આમ કહી શ્રી નિરાંત મહારાજે પોતાના શિષ્યો પૈકી જે નિરાભિમાની, ભક્તિ ભાવવાળા, સંત સેવાના અભિલાષી, જ્ઞાન પ્રતિપાદન કરવાની શક્તિવાળા, સરળ તથા મળતાવળા સ્વભાવના અને ઘરના સુખી હતા, તેમને ઉપદેશ કરવાનો અધિકાર આપ્યો. આ રીતે એકંદરે સોળ શિષ્યોને શ્રી નિરાંત મહારાજે પોતે પોતાને હાથે ઉપદેશ કરવાનો (જ્ઞાન ગાદી સ્થાપવાનો) અધિકાર આપ્યો. દરેકે ગુરુના પ્રતિક તરીકે શ્રી નિરાંત મહારાજ પાસેથી તેમની ચાખડીઓ તથા માળાલઈ પોતાને ઘેર ગુરુ ગાદી સ્થાપી ત્યાં પધરાવી પૂજા આરતી કરવા લાગ્યા. આ રીતે પોતાને હાથે જ સંપ્રદાયનો પાયો નાખી શ્રી નિરાંત મહારાજ વિ.સં. ૧૯૦૮ના ભાદરવા સુદી ૮ને દિવસે નિર્વાણ પામ્યા.

ભવિષ્યવાણી

- ભવિષ્યવાણીનું શુધ્ધ સ્વરુપ -

" એને મટાડનારૂ છે. આ ધરમ પણ મહાત્માઓમાં મતભેદ પડવાથી સો વરસે ડોલી જશે. તે વખતે હરજી સાથે ઘણું હેત રાખશે, દેખીને પ્રભુ મળ્યા જેટલો આનંદ માનશે તેની ઉપર ગુરૂની દયા રહેશે."
સંવત ૧૮૬૯ની સાલે કરમડી ગામે મહા સુદ ૧૫ના દહાડે સવારમાં સદ્‍ગુરુ નિરાંત વચન થયું તેનો સાર લખ્યો છે. દયાળદાસ પાસેથી આ પ્રત લીધી છે. વાંચીને સાચવી રાખજો.

લી. મંછારામ મહારાજ (વતી) થી રણછોડદાસના આગામ.
(પુરાણા નાના ગુટકા આકારની હસ્તલિખિત પ્રતમાંથી)

શ્રીબાબુરામના જીવનચરિત્રનો ટુંકસાર

નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદીના
સ્વ. આચાર્ય પ. પૂ. સદ્‍ગુરુ મહારાજ
શ્રીબાબુરામના જીવનચરિત્રનો ટુંકસાર

સંત સદ્‍ગુરુ શ્રી બાબુરામ મહારાજ
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।
અભ્યુત્થાનામ્ અધર્મસ્ય તદા આત્માનમ્ સૃજામિ અહમ્ ।।
પરિત્રાણાય સાધૂનામ્ વિનાશાય ચ દુષ્ક્રુતામ્ ।
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।।
(શ્રીમદ્ ભાગવત ગીતા અધ્યાય – ૪, શ્ર્લોક ૭ - ૮)

(હે ભારત (અર્જુન) જયારે જયારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે. ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્ – પુરૂષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉ છું.)

આદિકાળથી માંડીને આજદિન સુધી શ્રીકૃષ્ણનું આ કથન સિધ્ધ થતું આવ્યું છે અને થશે એમ અત્યાર સુધીનો ઈતિહાસ તપાસતાં સત્ય જણાય છે. ભારતની ભૂમિ પર સમયે સમયે સંત પુરૂષો પ્રગટ થયા છે અને ધર્મનું રક્ષણ કરતાં કરતાં પોતાનો દેહ છોડી ચાલ્યા ગયા છે. તેથી તો ભારતમાં ધર્મ જેવી વસ્તુ જળવાઈ રહી છે. અને વિશ્વની સંસ્કૃતિમાં ભારતે ધાર્મિક સંસ્કૃતિ તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

ભારતની ધાર્મિક સંસ્કૃતિને ટકાવી રાખવા તુલસીદાસ, સૂરદાસ, કબીરદાસ, નરસિંહ મહેતા, મીરાં, નિરાંત, હરજીવનદાસ આદિ સંત પુરૂષોએ જે ફાળો આપ્યો છે, તે નોંધપાત્ર છે. આ સંતોએ ભક્તિ ગંગાની પવિત્રધારાને અતૂટ વહેતી રાખવામાં જે ફાળો આપ્યો છે તેમાં સંત બાબુરામને બાદ કરી શકાય તેમ નથી. ગુજરાતી ભક્તિ સાહિત્યના અખંડદીપને જલતો રાખવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે.

અલૌકિક બાળકનો જ્ન્મ

સંત બાબુરામનો જ્ન્મ વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં (તા. ૧-૧૦-૧૯૩૩ વિક્રમ સંવત ૧૯૮૯ ભાદરવા સુદ-૫ ૠષિ પંચમી) સંત હરજીવનદાસને ત્યાં ગુલાબબાની કુખે રાજપૂત ગોહિલ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા સંત હરજીવનદાસ નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદી દેથાણના આચાર્ય હતા. તેથી બાળપણથી જ સંત બાબુરામને ભક્તિના સૂરથી ગૂંજતું વાતાવરણ મળ્યું હતું. એટલે નાનપણથી જ તેમના કાનમાં ભક્તિના સ્વરો ગૂંજતા હતા. તેમના પિતાશ્રીનું તેઓશ્રી આઠમું સંતાન હતા. તેમના પિતાશ્રી સંત હરજીવનદાસને તેમના માતૃશ્રી દેવબા તરફથી અપુત્રવાન રહેવાનો શ્રાપ મળ્યો હતો. સંત હરજીવનદાસને પોતાના ગુરુ નથુદાસ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો તેથી મોટા ભાગનો સમય પોતાના ગુરુને ત્યાં ભજન-સત્સંગમાં વિતાવતા. તેમની બાને આ ગમતું નહિ. તેથી એક દિવસ ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે તું અપુત્રવાન રહીશ તેથી સંત હરજીવનદાસને એક પછી એક એમ સાત સંતાન થયા, પરંતુ એક પુત્રીને બાદ કરતા બધાં જ સંતાનો મૃત્યું પામ્યાં. સંત હરજીવનદાસ તથા તેમના ધર્મપત્ની ગુલાબબાએ ગુરુભક્તિ તથા ભક્તોની સેવા કરીને પોતાની માતાના શ્રાપ પર વિજય મેળવ્યો. આઠમાં સંતાન રૂપે બાળક બાબુરામનો જ્ન્મ થયો. ચાર વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી બાળક બાબુરામનું શરીર તંદુરસ્ત રહ્યું. એટલે માતા પિતાને શ્રધ્ધા બેઠી કે હવે બાળક જીવી જશે. પરંતુ પાચમાં વર્ષે ભયંકર બીમારીમાં સપડાઈ ગયાં. ડૉક્ટરોના પ્રયત્નો નિષ્ફ્ળ ગયા. ગુલાબબા પણ વિશ્વાસ ગુમાવી બેઠાં. તેમને લાગ્યું કે પોતાની સાસુ દેવબાનો શ્રાપ ભાગ ભજવશે. પરંતુ સંત હરજીવનદાસ હિંમત હારે તેવા ન હતા. પોતાને પોતાની ભક્તિ તથા ગુરુ પ્રત્યે પૂર્ણ શ્રધ્ધા અને અડગ વિશ્વાસ હતો. ડૉક્ટરોના પ્રયત્નો વ્યર્થ જવાથી દવા છોડી દુવા પર છોડી મુકવામાં આવ્યા. બાળક બાબુરામને ગુરુ - ગાદીએ લઈ જઈને ગુરુને શરણે અર્પણ કરી દેવામાં આવ્યા. રાત દિવસ બાળક બાબુરામની પાસે એકાદ વ્યક્તિ બેસી રહેતી. એક દિવસ એવું બન્યું કે ઘણા દિવસનો ઉજાગરો હોવાથી સંત હરજીવનદાસ પોતાના જમાઈને પોતાના બાળક પાસે બેસાડીને પોતે મેડા ઉપર આરામ કરવા ગયા. તે સમય દરમ્યાન કોઇ એક અજાણ્યો સાધુ ત્યાં આવ્યો. અને તેમના જમાઇને પૂછયું, હરજી કહાં હૈ?” તેમના જમાઈએ કહ્યું, તે તો મેડા પર આરામ કરવા ગયા છે, તમારે તેમનું શું કામ છે? કામ હોય તો બોલાવી લાવું, ત્યારે તે સાધુએ કહ્યું, “કામ તો કુછ નહી હૈ, મગર આજકલ હરજી ઉદાસ ક્યોં હૈ?” તેમના જમાઈએ કહ્યું, તેમનો એકનો એક પુત્ર ઘણો બીમાર છે, ડૉક્ટરોએ પણ ના પાડી દીધી છે. પછી હરજી ઉદાસ હોય જ ને!” આ સાંભળીને સાધુએ પોતાના ખિસ્સામાંથી થોડી ભસ્મ કાઢીને બાળક બાબુરામના કપાળ પર લગાડી અને કહ્યું, અબ ઠીક હો જાયેગા, ગભરાનેકી કોઈ જરૂર નહીં હૈ?" સાધુને ત્યાં બેસવાનું કહીને જમાઈ સંત હરજીવનદાસને મેડા ઉપર બોલાવવા જાય છે, મેડા ઉપરથી નીચે આવીને જુવે છે તો સાધુ ત્યાં હતા નહિ. આસપાસ તપાસ કરવામાં આવી છતાં તે સાધુનો પત્તો ન લાગ્યો. ત્યાર પછી બાળક બાબુરામની તબીયતમાં ઉત્તરોત્તર સુધારો થતો ગયો, અને સાજા-માજા થવા લાગ્યા. આમ સંત બાબુરામનો અલૌકિક બાળક રૂપે જ્ન્મ થયો.

વિધ્યાભ્યાસ

પોતાના પિતાશ્રી સંત હરજીવનદાસ પોતે શિક્ષક હતા અને પોતાના ગામ દેથાણની પ્રાથમિક શાળામાં નોકરી કરતાં હતા. બાળક બાબુરામ પોતાના ગામની પ્રાથમિક શાળામાં દાખલ થયા. એકડે એકનો પ્રથમ એકડો પોતાના પિતાશ્રીના હાથે શીખ્યા. પોતાના ગામની શાળામાં ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ કરજણ પ્રાથમિક શાળામાં ધોરણ છઠ્ઠામાં પ્રવેશ મેળવી ધોરણ સાત પુરું કર્યુ. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ માટે શાહ એન. બી. સાર્વજનિક હાઈસ્કૂલ, કરજણમાં દાખલ થયા. નાનપણથી જ ભણવામાં ઘણા હોંશિયાર હતા. દર વર્ષે પ્રથમ નંબર મેળવતા. એક વખતે એટલે કે દશમાં ધોરણમાં શિક્ષકના પક્ષપાતને કારણે પ્રથમ નંબર ગુમાવવો પડેલો તેથી તેમને ઘણો જ અસંતોષ અને પસ્તાવો થયેલો. વિદ્યાર્થી જીવનથી જ તેમને સાહિત્ય પ્રત્યે ઘણી રુચિ હતી. સંસ્કૃત જેવા કઠિન વિષયમાં પણ સો માંથી અઠ્ઠાણું માર્કસ પ્રાપ્ત કરેલા. મેટ્રીક સુધી તેમને શાહ એન. બી. સાર્વજનિક હાઈસ્કૂલ, કરજણમાં શિક્ષણ લીધું. મૅટ્રિકની પરીક્ષા વડોદરા કેન્દ્રમાંથી પાસ કરી. ઉચ્ચ અભ્યાસ માટે એમ. ટી. બી. કોલેજ, સુરતમાં દાખલ થયા. તેમના પિતાશ્રી તેમને પોતાનાથી અડગા કરવા માગતાં ન હતા. તેથી સુરતમાં રહેવાને બદલે ઘેરથી પોતે અવરજવર કરતા. સુરતનો રન ઘણો લાંબો હતો. જતાં આવતાંના છ કલાક મુસાફરીમાં જતાં તે છ કલાકનો સમય બરબાદ ન કરતાં તેનો સદુપયોગ કરી લીધો. આ સમય દરમ્યાન મોટા ભાગના ધાર્મિક સાહિત્યનો અભ્યાસ કરી લઈ ધર્મનું મૂળ રહસ્ય જાણી લીધું. જવા આવવાની મુશ્કેલી હોવા છતાં કોલેજના પ્રથમ વર્ષમાં બીજો વર્ગ પ્રાપ્ત કરી ઉત્તીર્ણ થયા. સંસ્કૃતના વિષયમાં સૌથી વધુ ગુણ મેળવેલા તે માટે તેમના વિષય શિક્ષકે વર્ગમાં ઘણી પ્રશંસા કરેલી. સુરત જવા આવવાની તકલીફને લીધે બીજે વર્ષે વલ્લ્ભવિદ્યાનગર કોલેજમાં દાખલ થયા અને ત્યાં જ રહેવાનું રાખ્યું. ત્યાં થોડો સમય રહ્યા અને ઘેર પાછા ફરવું પડ્યું. ઘેર પિતાશ્રીની તબિયત ઘણી બગડી ગઈ. ઘરમાં તેમના સિવાય ઘરની તથા ખેતીની દેખરેખ રાખી શકે તેવું બીજું કોઈ હતું નહિ. તેથી પિતાનો પત્ર મળતાં ઘેર પાછા ફરવું પડયું. તેમનું દુર્ભાગ્ય કે પિતાની માંદગી લંબાઈ તેથી તેમને હંમેશને માટે અભ્યાસનું ક્ષેત્ર છોડવું પડ્યું. તેમની આગળ ભણવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ. ઈન્ટર આર્ટ્સનું વર્ષ અધુરું મૂકી કોલેજની વિદાય લઈ લીધી. તેમનું દુર્ભાગ્ય આગળ જતાં સદ્ભાગ્યમાં પરિણમ્યું. તેમનું દુર્ભાગ્ય એ કે તેઓશ્રી આગળ ભણી ન શક્યા. તેમનું સદ્ભાગ્ય એ કે મહાન સંત બન્યા.

મિત્રોનો સહવાસ

વિદ્યાર્થી અવસ્થાથી જ સંત બાબુરામનો સ્વભાવ ઘણો મિલનસાર હતો. કોઇ પણ વ્યક્તિ સાથે હળી મળી શક્તા હતા. તેમને એક્લા રહેવું ક્દી ગમતું ન હતું. વળી તેમનામાં મિત્રો માટે ઘસાઈ છુટવાની ભાવના હતી. સંકટના સમયમાં મિત્રોને મદદરૂપ થઈ પડતા. તેમનો સ્વભાવ માયાળું હોવાથી મિત્રોનું આકર્ષણ વધતું જતું. સ્કૂલે જાય તો તેમની સાથે તેમનું મિત્ર મંડળ હોય, ફરવા જાય કે બહાર ગામ જાય તો પણ તેમની સાથે એકાદ બે મિત્ર હોય જ. રાત્રે સૂઈ જાય તો પણ તેમનું મિત્ર મંડળ તેમની સાથે જ હોય. મોટે ભાગે તો તેમના મિત્રો તેમના ઘરે જ સૂઈ રહેતા. રાત્રે પોતે અભ્યાસ કરતા અને પોતે ભણવામાં હોંશિયાર હોવાથી મિત્રોને પણ ભણાવતા. જેથી મોટા ભાગના મિત્રો તેમને ત્યાં જ સૂઈ રહેતા. નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદીનું આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પછી પણ જ્યારે જ્યારે બહાર ગામ ભજન સતસંગમાં જવાનું થતું ત્યારે પણ પોતાના સેવકો પોતાની સાથે હોય જ. જીવન પર્યંત પોતે કદી એકલા રહ્યાં જ નથી. જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે પણ પોતાને જાણે એકલા જવું ગમ્યું ન હોય તેમ પોતાની પાછળ ગામ લાકોદરાના પોતાના સેવક શ્રીબેચરભાઈ હરિભાઈ ગોહિલને બોલાવી લીધા. શ્રી બેચરભાઈને પણ પોતાના ગુરુ પ્રત્યે કેટલો પ્રેમ કે કાયમ સંત બાબુરામ સાથે રહેતા તેથી તેમને પણ એકલા રહેવું ન ગમ્યું. માટે તે પણ તેમની પાછળ ગયા.

ઉત્તમ શિક્ષકના સ્વરૂપમાં

સંત બાબુરામ શિક્ષક ન હતા. પરંતુ ઉત્તમ શિક્ષક તરીકેની કામગીરી બજાવી છે. પોતે ભણવામાં સ્કોલર હોવાથી અભ્યાસમાં નબળા એવા મિત્રોને પોતે પોતાના ઘેર રાત્રે ભણાવતા. પોતાના પિતાશ્રી પોતાના ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા. તેથી તેઓશ્રી કોઈ કોઈ વખત શાળામાં આવતા અને અમને ભણાવતાં. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને રાત્રે પોતે શાળામાં બોલાવી રાત્રિ શાળા ચલાવતાં, જેને ઘેર ન જવું હોય તેવા વિદ્યાર્થીઓને પોતે પોતાને ઘેર જ સુવાડતાં. દર અઠવાડિયે જે કંઈ ચલાવ્યું હોય તેની ચકાસણી કરવા ટેસ્ટ લેતાં. હાઈસ્કૂલમાં પોતાની સાથે ભણતાં પોતાના મિત્રોને મફત ટ્યુશન આપતાં. એક જાણવા જેવી વાત એ છે કે પોતાનાથી આગળ ભણતાં મિત્રને પણ તેમને ટ્યુશન આપ્યું છે. તેઓશ્રી દશમાં ધોરણમાં ભણતા હતા ત્યારે તેમનો એક મિત્ર મેટ્રિકમાં ભણતો હતો. તે મિત્ર અભ્યાસમાં નબળા હતા. તેથી તેમણે શ્રીબાબુરામને ટ્યુશન માટે વાત કરી. શ્રી બાબુરામે તૈયારી બતાવી પોતે દરરોજ મેટ્રિક (ધોરણ-૧૧) ના પુસ્તકોનો અભ્યાસ કરતા અને પછી રાતના તે મિત્રને ભણાવતાં. પરિણામે તે મિત્ર મેટ્રિકમાં પાસ થઈ ગયો. તેમને 'શનિવાર સત્સંગ સહાધ્યાય' ની પ્રવૃત્તિ શરૂ કરી. તેમાં ઘણાંય અભણ એવાં ભાઈઓ જોડાયેલા. પરંતુ શ્રીબાબુરામના પ્રયત્નથી લખતાં વાંચતાં શીખી ગયા, આમ પોતે શિક્ષક ન હોવા છતાં શિક્ષક તરીકેની કામગીરી અદા કરી છે.

ગૃહસંસારમાં પ્રવેશ

સંત બાબુરામનું લગ્ન લગભગ વીસ વર્ષની ઉંમરે થયું હતું, એક બાજુ પિતાશ્રીની તબિયત વધુ ને વધુ કથળતી જતી હતી. બીજી બાજુ ગુલાબબાને ઘરકામમાં મદદ કરે તેવું બીજું કોઈ હતું નહિ. વળી દિવસે દિવસે ભાવિક ભક્તોની સંખ્યા વધતી જતી હતી. ભકતોની સેવા ચાકરી કરવી, ભક્તોને સમયે ચા-પાણી આપવા, સમયે જમાડવું વગેરે કામ એકલે હાથે ગુલાબબા પહોંચી વળતાં નહિ, તેથી પુત્ર ને પરણાવવા તરફે માતાપિતાનું લક્ષ ગયું. તેમના પિતાશ્રીની ભક્ત તરીકે ચારેબાજુ ખ્યાતિ ફેલાયેલી હતી. વળી ખાધે પીધે ઘર સુખી હતું. તેથી સગાઈ માટે પડાપડી થતી. પિતાશ્રીને ભણેલી કે ધનવાન પુત્રવધૂની જરૂર ન હતી. પરંતુ સંસ્કાર સંપન્ન અને ભાવિક ભક્તોના ભાવમાં ભળી જાય તેવી પુત્રવધૂની જરૂર હતી. તેથી પાદરા તાલુકાના સાદરા ગામના વતની મગનભાઈ કે જે ભગત તરીકે ઓળખાતા હતા તેમની સંસ્કાર સંપન્ન, સુશીલ, શાંત, સરળ, નમ્ર, વિવેકી અને સેવાભાવી સુપુત્રી રેવાબા સાથે સંવત ૨૦૦૮ ના ફાગણ માસમાં લગ્ન કરવામાં આવ્યું.

પૂજ્ય રેવાબા એ જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી સાસુ સસરાને પોતાના માતાપિતા માની સેવાભાવ દ્વારા સાસુ સસરાનું દિલ જીતી લઈ, સાસુ સસરાના હ્દયમાં પોતાનું સ્થાન જમાવી દીધું. ઘરની જવાબદારી સંભાળી લીધી અને સાસુને ઘરની જવાબદારીમાંથી મુક્ત કર્યા. પોતાને ત્યાં આવતા ભક્તોની સેવાનું કાર્ય પોતે ઉપાડી લીધું. તેથી ભક્તોના હ્દયમાં પણ પોતે વસી ગયા. ભક્તોનો ભાવ કેળવીને રેવાબાએ ભક્તોમાં "બા" તરીકેનું સ્થાન મેળવ્યું અને દિપાવ્યું. સાસુ સસરાના દેહાંત બાદ પૂ. રેવાબાએ ઘરની બધી જવાબદારી સ્વીકારી લીધી અને સંત બાબુરામ માટે ભક્તિ સાધનાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો. જેમ સીતા વિના રામની સાધના અધુરી છે, પાર્વતી વિના શંકરની સાધના અધુરી છે. તેમ રેવાબા વિના સંત બાબુરામની સાધના અધુરી છે. સંત બાબુરામની સાધના પ્રાપ્તિમાં પૂ. રેવાબાનો ફાળો મહત્વપૂર્ણ છે. ગૃહ સંસારમાં રહીને પણ સંત બાબુરામ પોતાની સાધના કરી સંત બની ગયા તેનું મુખ્ય કારણ રેવાબા છે.

સંત બાબુરામના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે. મોટા પુત્રનું નામ રતુરામ, નાના પુત્રનું નામ મનહરદાસ તથા પુત્રીનું નામ શકુંતલા છે.

વ્યવસાયના ક્ષેત્રમાં

વિદ્યાભ્યાસ છોડ્યા પછી થોડો સમય ઘેર રહ્યા. ઘરની જવાબદારી તેમના પર છોડી પિતા નિવૃત્ત થયા. પ્રકૃતિ પ્રેમી હોવાથી ઘરમાં ગોંધાઈ રહેવું તેમને ગમતું નહિ. કુદરતના ખોળામાં બેસવાનું ગમતું તેથી તેઓશ્રી સવારમાં પોતે ઘેરથી નીકળી જઈ ખેતરોમાં ઘુમતા. પ્રકૃતિને ધારી ધારીને નિહાળતાં અને કુદરતના રહસ્યને સમજવા પ્રયત્ન કરતા. સવાર સાંજ ખેતરમાં જતા પરંતુ મોટા ભાગનો સમય ઘરમાં ગોંધાઈ રહેવું પડતું. તેથી કેટલીકવાર કંટાળો ઉપજતો તેથી તેમને સમય પસાર કરવા કરજણમાં ભાગીદારીમાં અનાજ કરીયાણાની દુકાન ખોલી. હિસાબના ચોપડાં લખવાનું કામ તેમને ઉપાડી લીધું. બીજા કામમાં માથું મારતા નહિ. હિસાબના કામમાં પૂરી ચોક્સાઈ રાખતા પાઈ પાઈનો હિસાબ બેસાડતા. એક વખતે એક પૈસાની ભૂલ આવી તો રાત્રે ઉંઘ ન આવી. બીજે દિવસે એ ભૂલ શોધી નાખી ત્યારે જ સંતોષ થયો. અહીં જે કંઈ સમય મળતો તે વાંચવા લખવામાં વિતાવતા. ન્યાય અને નીતિથી દુકાન ચલાવી પાછળથી તેમને ત્યાં યોગ્ય ન લાગ્યું તેથી પોતે ભાગીદારી છોડી તેમાંથી મુક્ત થયા.

સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ

સ્વભાવે પ્રકૃતિ પ્રેમી હોવાથી પ્રકૃતિના અવનવા તત્વો તેમના મનને આકર્ષી લેતાં કેટલીક વાર પોતે એકલા બેસતાં ત્યારે પ્રકૃતિના અવનવા તત્વોમાં ખોવાઈ જતાં. એક વખતે તેમના મિત્રની સાથે મિત્રની સાસરીમાં પીંગલવાડા ગામે ગયા. સાંજના સમયે નદી કિનારે ફરવા ગયા. પ્રકૃતિના શાંત વાતાવરણમાં નદીના ખળભળ થતાં વાંકાચૂકા વહેણે તેમના કવિ હ્‌દયને હચમચાવી દીધું. તેમના મુખ માંથી "જોને પેલી સુંદર સરિતા આનંદમાં વહી જાતી" ના શબ્દો સરી પડ્યા. અહીંથી તેમના કવિ હ્‌દયનો જન્મ થાય છે. આ સમયે તેમની ઉંમર લગભગ પંદર વર્ષની હતી. ત્યાર પછી તેમને વિવિધ છંદોમાં "ભાગ્ય કે કર્મ" ના શિર્ષક હેઠળ છંદોબધ્ધ ખંડ કાવ્ય લખ્યું. હાઈસ્કૂલના વિદ્યાર્થી જીવનમાં છંદોબધ્ધ રચના કરતાં. અંગ્રેજીમાં પણ કાવ્યો લખ્યાં છે. તેમાં મુખ્ય છે "વોટ ઈઝ ધ મીનીંગ ઓફ એ અને વોટ ઈઝ અવર ડ્યુટી" તે સમયના તેમના હાઈસ્કૂલના પ્રિન્સીપાલ મિ. શ્રોફને આ કાવ્ય બતાવેલા અને મિ. શ્રોફે તે કાવ્યો પર પોતાની સહી પણ કરી આપેલી. "જોને પેલી સુંદર સરિતા" એ કાવ્ય હાઈસ્કૂલમાંથી પ્રગટ થતાં મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલું. પોતે વલ્લભ વિદ્યાનગર કોલેજમાં ભણતા ત્યારે પોતાના પિતા સાથે પત્ર વ્યવહાર પદ્યમાં કરતા. દુકાનની ભાગીદારી છોડયા પછી ઘણો સમય મળતો. આ સમયમાં વિવિધ ધર્મોના પુસ્તકોનો અભ્યાસ કર્યો, મહાન પુરુષોના જીવનચરિત્રો વાંચી સતત મનન કરતાં. કેટલીક વખત તો આખી રાતોનીરાતો મનનમાં જતી, રાતના બબ્બે વાગ્યા સુધી જાગતા. પ્રાકૃતિક કાવ્ય રચના છોડી તેમનું મન ભક્તિના પદો રચવા તરફે ગયું. "માયા છે બુરી છે બુરી" એ તેમનું પ્રથમ ભક્તિ પદ છે. વીસ વર્ષની ઉંમરે તેમણે ઘણા બધાં ભક્તિ પદોની રચના કરી દીધી હતી. બાવીસ વર્ષની ઉમરે સત્કર્મબોધની રચના કરી. આ પુસ્તક્ની વિશેષતાએ છે કે તેની રચના એક જ રાત્રે અને એકી પલાઠીએ કરી હતી. યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, દાન આદી કઠિન સાધનાની સામાન્ય પરિભાષા આપી પોતાના સામાન્ય વ્યવહારમાં વણી લઈ સીધી સાદી અને સરળ રીતે આદરવાની આગવી સૂઝ સમજણ અને પાકટ બુધ્ધિના દર્શન આપણને એમનામાં નાની ઉંમરે થાય છે.

ગુરુ ઉપદેશની પ્રાપ્તિ

નિરાંત પંથની મૂળ ગાદી નથુદાસના સમય સુધી વારસાગત રીતે કોઇ પણ જાતની વિધિ વિના આપોઆપ મળી જતી હતી. નિરાંત પંથના આચાર્યો ગાદીપતિ બની જતા પણ નિરાંત પંથના ફેલાવા માટે કંઈ જ કરતા નહિ જેથી નિરાંત પંથ ડોલવા લાગ્યો. નિરાંત પંથને જીવંત રાખવા નથુદાસે ગાદીની પરંપરામાં ફેરફાર કર્યો. પોતાના પુત્રોમાં નિરાંત પંથની ગાદી ટકાવી રાખવાની યોગ્યતા ન જણાતાં નથુદાસે નિરાંત પંથની ગાદી ટકાવી રાખે તેવી યોગ્યતાવાળા શ્રી હરજીવનદાસને ગાદીની ચાદર ઓઢાડી આચાર્ય પદે નિમણૂંક કરી વળી નિરાંત મહારાજની ભવિષ્યવાણીને આધારે હરજીવનદાસ નિરાંતના અવતાર હતા. એવો લેખિત પુરાવો મળી આવતાં તથા હરજીવનદાસમાં નિરાંત પંથની ગાદીને ટકાવી રાખવાનું જ્ઞાન જોઈને હરજીવનદાસની ના હોવા છતાં નથુદાસે સ્વેચ્છાથી હરજીવનદાસની આચાર્ય પદે નિમણૂંક કરી. તે વખતે હરજીવનદાસે પોતાના ગુરુ નથુદાસને કહ્યું કે"બાબજી, આ તો અયોગ્ય કહેવાય. તમારા પુત્રોને પડતાં મૂકી મને ગાદી આપો તે સારૂં ન કહેવાય". પિતાના ગુણ પુત્રોમાં નહિ હોવાથી નથુદાસને પુત્રો માટે અસંતોષ હતો તેથી નથુદાસે પોતાના પુત્રો માટે વચન ઉચ્ચારેલું કે "મારા પુત્રોના જીવનમાં લાય લખી છે, સુખે બેસીને કદી ખાસે નહિ અને પૈસોટકો મળશે તો સારા કામમાં તેઓથી વપરાશે નહિ." શ્રી હરજીવનદાસને ગાદી સોંપ્યા પછી નથુદાસનો દેહ વિલય થયો. સંત હરજીવનદાસે નિરાંત પંથની જ્ઞાન ગાદી સાચવી અને નિરાંતના સાચા જ્ઞાનનો ફેલાવો કરી નિરાંતનું નામ ગાજતું કર્યુ. સંત હરજીવનદાસ વૃધ્ધ થયા એટલે તેમણે પણ ગાદીના આચાર્ય માટે કંઈક વિચારવાનું હતું. શ્રી બાબુરામને જન્મજાત વારસાગત પિતાનું જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત થયા હતા. પુત્રના ગુણ પારણામાંથી જ જોયા હતા. ધીરે ધીરે પુત્રમાં જ્ઞાન અને સંસ્કારની વૃધ્ધિ થતાં જોઈને પિતાને આનંદ થયો. પોતાના પિતાશ્રી સાથે કોઈ કોઈ વખત શ્રી બાબુરામ ભજન સતસંગમાં જતા અને કોઈ કોઈ વખતે પિતાની છત્રછાયામાં પિતાની હાજરીમાં પોતે સતસંગ કરતા. શ્રી બાબુરામમાં નિરાંત પંથની જ્ઞાન ગાદી ટકાવી રાખવાની જ્ઞાન-શક્તિ જોઈને સંત હરજીવનદાસે પોતાની હયાતી દરમ્યાન સંવત ૨૦૧૬ ના વૈશાખ સુદ- ૧૫ ને બુધવાર ના દિવસે સવારમાં આશરે નવ કલાકે શ્રી બાબુરામને ગુરુ-ઉપદેશ આપી નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત-વચન-હરજી-ગુરુ-જ્ઞાન ગાદીનું આચાર્ય પદ સુપ્રત કર્યુ. પોતે ગાદીના અધિકારી બન્યા હોવા છતાં પિતાની હયાતી દરમ્યાન કોઈ દિવસ ગાદી પર બેઠા નથી કે સેવકોને ઉપદેશ આપ્યો નથી. પોતાના પિતા-ગુરુ-સંત હરજીવનદાસ સંવત ૨૦૨૧ ના મહા સુદ-૧ ને મંગળવાર તા. ૨-૨-૧૯૬૫ ના દિને નિર્વાણપદને પામ્યા ત્યાર પછી જ પોતે ગાદી પર બેઠા.

ભજન સતસંગમાં પ્રવેશ

પોતાના પિતાશ્રી સાથે પોતે ભજન-સતસંગમાં જતા. પોતાના પિતાશ્રીનો ભજન-સતસંગ ધ્યાનથી સાંભળતા ઘેર આવી પોતે રાત્રે તેના પર ચિંતન કરતા. ભક્તિના સંસ્કાર વારસામાં મળ્યા હતા. તેથી ભજન સતસંગમાં ટ્રેઈન થતાં વાર ન લાગી. પોતાને પણ ભજન સતસંગ કરવાની ઈચ્છા થઈ પરંતુ પિતાની આજ્ઞા વિના શી રીતે થઈ શકે? પિતાને જ્યાં સુધી પુત્ર પર આત્મવિશ્વાસ ન આવે ત્યાં સુધી આજ્ઞા પણ શી રીતે આપી શકે? છેવટે તેમની મનોકામના ફળી લગભગ અઢાર એક વર્ષની ઉંમરે પોતાના ગામમાં પોતાના પિતાશ્રીની છત્રછાયામાં સૌ પ્રથમ ભજન સતસંગ કર્યો. સતસંગની સાખીના શબ્દો હતા.

"સંત તરુવર ગંગ જળ ચોથા વરસે મેહ, પરમારથને કારણે ચારેય ધરિયા દેહ "
સંત તુલસીદાસના આ સાખીના ભાવને મજબૂત બનાવવા સંત હરજીવ; નદાસનું પદ…
" પરમારથ પાકુ પુણ્ય શિખામણ સારી દેવી તે, લેવી એમાં લાભ છે દેવામાં પણ લાભ છે….. "

એ પદ લઈ લગભગ બે થી અઢી કલાક સતસંગ કર્યો. પ્રથમ ભજન સતસંગની સાંભળનાર પર સારી અસર પડી. પોતાને હવે પોતાના પર આત્મવિશ્વાસ આવી ગયો. પછી તો કોઈ કોઈ વાર પોતાને ત્યાં પૂર્ણિમાંને દિવસે આવતા ભાવિક ભક્તોને પણ પોતાના સતસંગ નો લાભ આપતા. પરંતુ ગામનું ગોંદર છોડી બહાર કોઈ દિવસ ભજન-સતસંગ કર્યો ન હતો. તેમની એ ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ. સંવત ૨૦૧૬ ના પોષ મહિનામાં કથોલાના ભગત શ્રી માધવભાઈ છોટાભાઈને ત્યાંથી સંત હરજીવનદાસને ભજન-સતસંગ માટે આમંત્રણ મળ્યું. તબિયત સારી નહિ હોવાને કારણે પોતે ત્યાં જઈ શક્યા નહિ. તેથી પોતાના પુત્ર શ્રી બાબુરામને ત્યાં મોકલી આપ્યાં. શ્રી બાબુરામને માટે આ પ્રથમ પ્રસંગ હતો. અજાણ્યો મુલક અને અજાણી વ્યક્તિઓ આગળ પોતે બોલવાનું હતું તેથી મનમાં મૂંઝવણ પણ ખરી. સદ્ગુરુના નામનું સ્મરણ કરતાં કરતાં ત્યાં ગયા. ત્યાં જૈનધર્મના આચાર્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વયોવૃધ્ધ જૈન આચાર્યો વચ્ચે પોતાને બોલવાનું છે, એવું જાણીને હિંમત પણ તૂટવા લાગી. પરંતુ પાછી પાની કરવામાં પોતાની તથા પિતાની ઈજ્જતનો સવાલ હતો. સદ્ગુરુના નામની જય બોલાવી સતસંગ શરૂ કર્યો. સદ્ગુકરુની જય બોલાવતાની સાથે જ આત્મવિશ્વાસ અને હિંમત આવી ગયાં. લગભગ ચાર કલાક સતસંગ ચાલ્યો નાની ઉંમરમાં પણ ધર્મ વિષયકનું ઉંડું જ્ઞાન ધરાવતા. શ્રી બાબુરામના સતસંગની જૈન ધર્મના આચાર્યો પર સારી છાપ પડી. બીજે દિવસે તે આચાર્યો એ શ્રી બાબુરામને પોતાને ત્યાં ભજન સતસંગ માટે આમંત્રણ આપ્યું. ત્યાર પછી પોર નજીક રામનાથ ગામે ભજન સતસંગ માટે આમંત્રણ મળ્યું. ત્યાં પણ કબીરપંથી આચાર્યો વચ્ચે ભજન સતસંગ કરવાનો હતો. શ્રી બાબુરામ ઉંમરમાં ઘણા નાના હોવાથી આચાર્યો તેમને જોઈને હસતા હતા. કે આ શું બોલી શકવાનો છે. શરૂઆતમાં આચાર્યોને જે કંઈ કહેવાનું હતું તે કહ્યું ત્યાર પછી લગભગ બાર વાગ્યે શ્રી બાબુરામનો વારો આવ્યો. લોકો અર્ધનિંદ્રામાં હતા. પોતે સતસંગ માટે ઉભા થયા. તેમના સતસંગની સાખીના શબ્દો હતા.

" એક ઘડી આધિ-ઘડી આધિમેં પુનિઆધ, તુલસી સંગત સાધુકી કોટિ કટે અપરાધ. "

સાધુ કોને કહેવાય? સાચો સાધુ કોણ? તુલસીદાસે કેવા સાધુની આ સાખીમાં વાત કરી છે. ભગવાધારી સાધુઓ-આચાર્યો આ સાંભળીને ઠંડા થઈ ગયા. તેઓમાં જ્ઞાનનું અભિમાન હતું તે દુર થયું. પછી તો પોતાની સાથે જ શ્રી બાબુરામ માટે ગાદી પણ બનાવડાવી અને તેના પર બેસાડયા. અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે મોરબીથી લગભગ વીસ/પચ્ચીસ કિલોમીટર દુર દયાનંદ સરસવતીની જન્મ ભૂમિ ટંકારામાં આર્યસમાજીઓ વચ્ચે સતસંગ થયેલો. તેમના પિતાશ્રી નિર્વાણ પદને પામ્યા ત્યાર પછી નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદીની સઘળી જવાબદારી તેમના શિરે આવી પડી. સતસંગની બાબતમાં નિરાંત સંપ્રદાયના સર્વ આચાર્યોમાં સર હતા. સતસંગની બાબતમાં તેમના પેંગડામાં કોઇ પગ ઘાલી શકે તેમ ન હતું. સંત હરજીવનદાસનું અંત સમયનું શ્રી બાબુરામ વિશે વચન હતું, મારો બાબુ ધરતીના છેડે જશે તો પણ સતસંગની બાબતમાં સૌથી સર રહેશે. સતસંગની બાબતમાં તેને કોઈ પહોચીં શકે નહિ. તેમનું આ વચન સંત બાબુરામના જીવનમાં સફળ થયેલું ભક્તોને જોવા મળ્યું છે. તેમના પિતાના નિર્વાણદિન બાદ તા. ૧૮-૮-૬૫ ના દિને મહેસાણા મુકામે નિરાંત સંપ્રદાયના આચાર્યોનું સંમેલન રાખવામાં આવેલું. શ્રી બાબુરામ નિરાંત પંથની મૂળ ગાદીના આચાર્ય હોવાથી બીજા આચાર્યો ની ઈચ્છા નહિ હોવા છતાં શ્રી બાબુરામને ના છુટકે આમંત્રણ આપવામાં આવેલું. તે સંમેલનનો હેતું નવા ગુરુ થયેલાઓ ને શિષ્યો બનાવવાની છુટ આપતું સર્ટિફિકેટ આપવાનો હતો. શ્રી બાબુરામની ઈચ્છા પણ ત્યાં જવાની ન હતી. પરંતુ બીજા આચાર્યોને આંગળી ચિંધવાની તક ન મળે તે માટે તેઓશ્રી ત્યાં ગયા. પીઢ આચાર્યોની આગળ તે બત્રીસ વર્ષના નવયુવાન સમા હતા. વારા ફરતી દરેક આચાર્યો એ પ્રવચન કર્યા અને સર્ટિફિકેટ આપવાનો વિધિ શરૂ કર્યો. ત્યાર બાદ શ્રી બાબુરામનો વારો આવ્યો. જાહેરમાં બધાંની વચ્ચે ઉભા થઈને નિરાંત શું છે? નિરાંત કેવી રીતે પ્રાપ્ત થાય? નિરાંતનો ધ્યેય શો હતો? આચાર્ય કોને કહેવાય? આચાર્ય પદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? વગેરે બાબતો પર છણાવટ ભર્યું પ્રવચન કર્યું તેમનું પ્રવચન સાંભળીને બધા આચાર્યો સ્તબ્ધ થઈ ગયા. તેઓને ખ્યાલ ન હતો કે નિરાંત પંથની મૂળ ગાદીના નવયુવાન આચાર્યમાં આટલું બધું નિરાંત વિશેનું સાચું જ્ઞાન હશે. આ પ્રસંગથી નિરાંત સંપ્રદાયના આચાર્યો પર તેમની છાપ જામી ગઈ.

સમાજ સુધારક તરીકે

લોકોને સાચા માર્ગે વાળવા, તથા ખરાબ દુષણો અને વ્યસનો દુર કરવા પોતાને ત્યાં શનિવાર, સોમવાર તથા પૂર્ણિમા સતસંગ સહાધ્યાયની પ્રવૃતિ શરૂ કરી. વળી એમના નામથી લગભગ છત્રીસ ભજન-મંડળો ચાલી રહ્યાં છે તેમાં જોડાનાર સહાધ્યાયી તથા ભજનિકોએ દારૂ, તાડી, માંસ, અફીણ, ગાંજો, ચોરી, જારી અને જુગાર જેવા દુષણો કે જે મનુષ્ય જીવન અને સમાજને બરબાદ કરનાર તથા અધોગતિ ને માર્ગે લઈ જનાર છે તેને છોડાવી મનુષ્ય જીવન અને સમાજને ઉન્નતિને માર્ગે લઈ જનારું તેમનું આ કાર્ય લોકોને આશીર્વાદ રૂપ થઈ પડ્યું છે. વળી એમની સાનિધ્યમાં ઘણા ભક્તોએ પોતાની સહી/શાખ આપી છાપેલી સંકલ્પ પત્રિકા લઈ ચા, બીડી, તમાકુ જેવાં વ્યસનો તથા મનુષ્ય જીવનની ઉન્નતિ અને આબાદી થાય એવા બીજા સંકલ્પો પણ લીધા છે. માણસના મૃત્યું પ્રસંગે રડવું-કકળવું, કાંણ-મોંકાણ, બારમું-તેરમું તથા દેવ-દેવી નિમિત્તે અંધશ્રધ્ધા ભરેલા રૂઢિ-રિવાજો પાછળ થતા ખોટા ખર્ચા દુર કરવા તથા સમાજ સુધારણાના હેતુથી સંવત ૨૦૩૩ ના ભાદરવા સુદ-૫ (ૠષિપંચમી) મહારાજ શ્રી બાબુરામની ૪૪મી જન્મ જયંતીના દિવસે શ્રી બાબુરામ સદ્ગુારુ સેવા સંઘની સ્થાપના કરી.

દવા અને દુવા

સંત હરજીવનદાસના સમયથી દવા અને દુવાનું કાર્ય ચાલતું આવ્યું છે. નિરાંત પંથની મૂળ ગાદીના આચાર્યોને સદ્ગુરરુ તરફથી દવા અને દુવાની બાબતમાં કૃપા પ્રાપ્ત થઈ છે. અસાધ્ય રોગો પણ સંત બાબુરામની દવાથી મટ્યાં છે. દવા તો નિમિત્ત માત્ર છે. પરંતુ તેમની દુવા જ કામ કરે છે. જે રોગ માટે ડૉકટરોએ હાથ ધોઇ નાખેલા તેવા રોગ પણ તેમની દવા અને દુવાથી મટ્યા છે. ગ્રેગ્રીન જેવા અસાધ્ય રોગીનું જીવન બહું બહું તો પાંચ વર્ષનું હોય છે. જુની જીથરડીના પટેલ શંકરભાઈ ભાઈજીભાઈ ને આજથી લગભગ વીસ વર્ષ પહેલાં પગમાં ગ્રેગ્રીન નું દર્દ થયેલું સંત બાબુરામને સાથે લઈને તેઓ અમદાવાદ પગ કપાવવા ગયેલા. પરંતુ શ્રી બાબુરામે સલાહ આપી કે હમણાં પગ કપાવવાની શી ઉતાવળ છે? તેથી પગ કપાવ્યા વિના ઘેર પાછા આવ્યા. સંત બાબુરામે ઘેર આવીને ઉપચાર શરૂ કર્યો. સંત બાબુરામની દવા અને દુવાથી શ્રી શંકરભાઈ રોગ મુકત થયા. લકવો, કેન્સર અને કોઢ જેવા અસાધ્ય રોગો પણ તેમની દવા અને દુવાથી મટ્યા છે. તેમના પર અતૂટ શ્રધ્ધા રાખી પૂર્ણિમાઓ ભરનાર અપુત્રવાનને પુત્રપ્રાપ્તિ થયાના દાખલા પણ મોજુદ છે. ટંકારી બંદર જિલ્લે ભરૂચના રહેવાસી સોલંકી ઉદેસંગ ભાઈજીભાઈને લગ્ન કર્યે લગભગ અઢાર વર્ષ થયા છતાં ઘેર પારણું ન બંધાયું. તેમના ગામના થોડા ભક્તો દેથાણ ગુરુ ગાદીએ પૂર્ણિમા ભરવા આવતા હતા તેમની સાથે તે ભાઈ પણ શ્રધ્ધાથી પૂર્ણિમા ઓ ભરવા લાગ્યા. સંત બાબુરામ પરની શ્રધ્ધાથી તથા દુવાથી ઉદેસંગભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો. લાકોદરા તા. કરજણના વતની શાહ યશવંતલાલ અમ્રતલાલ ને ત્યાં પણ સંત બાબુરામ પરની શ્રધ્ધાથી પુત્ર પ્રાપ્તિ થઈ. ઓસલામ તાલુકે કરજણના વતની પાટણવાડીયા કાલીદાસ ઈશ્વરભાઈની પુત્રી નામે ચંદન લગભગ બે વર્ષની હતી ત્યારે સખત બીમાર પડેલી તે મરણ થયાનું માનીને રડક્ક્ળ ચાલુ કરી અને પુત્રીને નીચે જમીન પર સુવાડી કપડું ઓઢાડી દીધું. પરંતુ કાલીદાસના પિતાશ્રી ઈશ્વરભાઈએ સંત બાબુરામ પર પૂર્ણ શ્રધ્ધા મૂકી પોતાની પૌત્રી માટે પૂનમ ભરવાનો ટેક રાખ્યો. થોડીવારમાં પૌત્રી સળવળી જીવતી થઈ. આમ દવા સાથે દુવા પણ શ્રધ્ધાવાન ભક્તોને ફળી હતી.

સેવકોને ઉપદેશ

દરેક સંપ્રદાયમાં પોતાના સંપ્રદાયનો ફેલાવો કરવા સેવકો બનાવવામાં આવે છે. અને ઉપદેશ આપવામાં આવે છે. પરંતુ નિરાંત પંથની મૂળ ગાદીના આચાર્ય માટે નિરાંતનો સંપ્રદાય નથી. પરંતુ નિરાંતનો પંથ છે. તેથી તે બીજા સંપ્રદાયો કરતાં સહેજ જુદો પડે છે. નિરાંતનો પંથ જેમ નિરાલો છે. તેમ તેના સેવકો બનાવવાની રીત પણ નિરાલી છે. નિરાંતના દેશમાં નાતી-જાતિ કે ઉંચ-નીચનો કોઇ ભેદભાવ નથી. તેના સેવકોને ખાનગીમાં નહિ પરંતુ જાહેરમાં અને સમૂહમાં ઉપદેશ આપવામાં આવે છે. સદ્ગુેરુનું શરણ સ્વીકારવા માટે ઉપદેશની ભાવના ધરાવનાર ભાવિક ભક્તોને નક્કી કરેલા નીતિ-નિયમોવાળું છાપેલું હાજરી-પત્ર આપવામાં આવે છે. હાજરી-પત્ર લેનાર ભક્તોને જે તે નક્કી કરેલી પૂર્ણિમાઓમાં હાજરી આપવાની હોય છે અને પૂર્ણિમાઓ ભર્યા બદલની ખાત્રી માટે નક્કી કરવામાં આવેલા સમયે મહારાજ શ્રી પાસે સહી કરાવી લેવાની હોય છે. જે તે નક્કી કરેલી પૂર્ણિમાઓ ભર્યા બાદ સેવક સિધ્ધાંત પ્રતિજ્ઞાપત્ર પર સહી શાખ લેવામાં આવે છે. ત્યારબાદ મહારાજ શ્રી તરફથી ઉપદેશ માટેનો નક્કી દિવસ બે ત્રણ માસ અગાઉ જાહેર કરવામાં આવે છે. પોતાના પિતા ગુરુ સંત હરજીવનદાસની હયાતી દરમ્યાન સંત બાબુરામે કોઇને ઉપદેશ આપ્યો નથી કે સેવકો બનાવ્યા નથી. તેમના પિતા ગુરુ નિર્વાણપદ પામ્યા ત્યારપછી સૌપ્રથમ ગામના નવ ભાઈઓને સંવત ૨૦૨૨ ના વૈશાખસુદ -૩ (અખાત્રીજ) ને દિવસે ઉપદેશ આપી સેવકો બનાવ્યા. છેલ્લો ઉપદેશ સંવત ૨૦૪૦ના જેઠ સુદ-૧૫ને દિવસે આપ્યો. વિધિની વિચિત્રતા પણ કેવી છે કે જેને સૌ પ્રથમ ઉપદેશ આપી પોતાના સેવકો બનાવ્યા તેમાનાં જ કેટલાક સંત બાબુરામના પ્રાણ ઘાતક નીવડ્યા. સત્તર સત્તર વર્ષ સુધી સદ્ગુરુ શ્રી બાબુરામને શરણે રહ્યાં. સદ્ગુ્રુ માનીને પૂજયા તે જ સેવકોને પોતાનો મત/અહમ્ નહિ પોષાતાં પોતાના સદ્ગુયરુ શ્રી બાબુરામની વિરુધ્ધ ગયા સદ્ગુેરુ શ્રી બાબુરામને હેરાન કરવા તથા બદનામ કરવા લોકોને કાન ભંભેરણી કરી આખા ગામને વિરુધ્ધ કર્યું. બીજા તો ઠીક પણ પોતાના જ સેવકો કે જે જેના પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો તે જ તેમની વિરુધ્ધ ગયા. જેનો આઘાત સદ્ગુારુ શ્રી બાબુરામ માટે અસહ્ય થઈ પડ્યો. લોકોની ટીકા ખરાબ વર્તન સહન નહિ થવાથી સીતા માતાને જેમ ધરતીમાં સમાઈ જવું પડ્યું તેમ સદ્ગુનરુ શ્રી બાબુરામથી પોતાના સેવકોનું ખરાબ વર્તન સહન નહિ થવાથી પોતાને પોતાનો દેહ છોડવો પડયો.

વચનપાલક તરીકે

રામને માટે કહેવાય છે કે " રઘુકુલ રીતિ સદા ચલી આયી, પ્રાણ જાય અરૂ વચન ન જાય'' રામ જેમ એક વચની હતા તેમ સંત બાબુરામ પણ એક વચની હતા. વચન પાલન માટે પોતાના પ્રાણને પણ હોડમાં મૂકવા તૈયાર હતા. તેમના મુખમાંથી જે કંઈ ભાર દઈને વચન નીકળ્યું હોય તેનું તેઓશ્રી અવશ્ય પાલન કરતા. વચન કાઢતાં પહેલા સો વખત વિચાર કરતા. બોલ્યા પછી કોઇ પણ જાતનો વિચાર કર્યા વિના મરણના ભોગે પણ પોતાના વચનનું પાલન કરતા. તેમનું સૂત્ર હતું "વખતસર, વચનસર અને વિવેકસરના વર્તન વહેવારમાં વિશ્વભરનો વાસ છે." જેને જે સમયે મળવાનું વચન આપ્યું હોય તેને તે સમયે અવશ્ય મળતાં. તેમના આખા જીવનને તપાસીશું તો એવો એક પણ અપવાદ નહિ મળે કે પોતે બોલ્યા હોય અને પાલન ન કર્યું હોય. વચનનું પાલન એ જ એમનું જીવન હતું. વચનનું પાલન કરવામાં પોતે ખરી ભક્તિ માનતા હતા. ભજન સતસંગ માટે કોઈ ભાવિકને તિથિ અને સમય આપ્યો હોય તે સમયે અવશ્ય પહોંચી જતા. એક વખતે પોતાના પિતાશ્રી મરણ પથારીએ હોવા છતાં તેવી હાલતમાં મૂકીને, ડૉક્ટરને દવા કરવાનું સોંપીને પોતે વચનપાલન ખાતર ભજન-સતસંગના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. કોઇ એક ભગતે વાતવાતમાં તેમને પૂછ્યું, " બાબજી તમને શેમાં આનંદ છે.. ?" બાબજીએ કહ્યું, 'હું જે કંઈ બોલું તેનું જેટલું પાલન થાય તેમાં તેટલો મને આનંદ થાય' પોતાનાથી જેટલું પાલન થાય તેટલું બોલતાં અને જેટલું બોલતાં તેટલાનું પાલન કરતાં. તેઓ શ્રી એકવચની અને વચનપાલક હોવાને કારણે ભક્તોને તેમના પર અડગ વિશ્વાસ અને શ્રધ્ધા ચોંટ્યા હતા.

વચન સિધ્ધ પુરુષ

સંત બાબુરામ પોતે વચન સિધ્ધ પુરુષ હતા. તેમનું હ્દય ઘણું જ નિર્મળ હતું. તેમના નિર્મળ હ્દયમાંથી જે કંઈ ભાવ ભર્યું વચન નીકળતું તે અવશ્ય સિધ્ધ થતું. તેથી કેટલાક ભક્તો તેમને કહેતા કે બાબજી, તમો ચમત્કાર કરો છો, ત્યારે બાબજી કહેતા કે "હું કંઈ જાણતો નથી તેમજ ચમત્કાર પણ કરતો નથી. પરંતુ તમારો ને મારો શુધ્ધ ભાવ જ્યાં એક થાય છે ત્યાં આપોઆપ ચમત્કાર થઈ જાય છે." કેટલાક લોભી અને લાલચું ભક્તો વચન કઢાવવા પ્રયત્ન કરતાં પરંતુ બાબજી કોઈ દિવસ વચન કાઢતાં નહિ. તેમનું વચન શિલા પર કોતરાયેલા લેખ સમાન અચળ હતું.

સાચા જ્ઞાનનો ફેલાવો

લોકોની અંધ શ્રધ્ધા તોડવા તેમજ કર્મ-ભ્રમમાંથી બહાર લાવવા ભાવિક-ભક્તોના ભાવને વશ થઈ ભજન-સતસંગ માટે જતા. તેમની જ્ઞાન-ભક્તિમાં યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, સમાધિ જેવા બાહ્ય સાધનોને બિલકુલ સ્થાન નથી. તેમની ભક્તિ એટલે નિર્મળ ભાવની ભક્તિ છે. નિર્મળભાવથી જે કંઈ કરવામાં આવે તે ભક્તિમાં ખપે છે. ધર્મને ધંધામાં વણી લીધો છે. સ્વધર્મનું પાલન કરવામાં જે કંઈ સહન કરવું પડે તેમાં તપ સમાયેલું છે. એમ તેમનું માનવું હતું તેમનો ભક્તિનો માર્ગ સીધો, સરળ અને ટૂંકો છે. તેમની ભક્તિમાં પ્રગટ પુરુષના દર્શન અને પ્રગટ પુરુષની પૂજાનું મહત્વ છે. તેમની ભક્તિમાં કોઈ સંપ્રદાય કે પંથનો વાડો નથી. પરંતુ જે જે પ્રગટ પુરુષો થઈ ગયા તેમના જ્ઞાનનું મહત્વ છે. દર પૂર્ણિમાનો પ્રસંગ પોતાને ત્યાં ઉજવાતો દર પૂર્ણિમાએ હજારોની સંખ્યામાં આવતા ભક્તોને દર્શન, પૂજા, ભજન, સતસંગનો લાભ આપતા દર વર્ષે નવા વર્ષમાં પોતાના ગામમાં તથા નજીકના ગામોમાં સેવકોને ત્યાં ગુરુ-ભાવ ભરેલી બેઠકો સેવકોના ભાવથી રાખવામાં આવતી. દર વર્ષે પોતાના સેવકોએ પોતાને ત્યાં ભજન સતસંગ તથા બેઠકના કાર્યક્રમનો નિશ્ચિત દિવસ મહારાજ શ્રી બાબુરામ પાસે નક્કી કરી લેતાં બાકીના સમયમાં કોઇ ભાવિક ભક્તનું આમંત્રણ હોય તો ત્યાં ભજન સતસંગ માટે જતાં ખાસ કરીને તો પોતાના સહવાસી હોય કે પૂર્ણિમાના પ્રસંગોમાં હાજરી આપતાં હોય તેવાને ત્યાં જ ભજન સતસંગ માટે જતાં ભજન સતસંગ માટે ભક્તોનો ભાવ મુખ્ય ગણાતો. ભાવ વિના કોઇ દિવસ કોઈને ત્યાં જતાં નહિ. નવરાત્રિના સમયે સપ્તાહ માટે ઘણાં આમંત્રણ મળતાં પણ કદી ભાડૂતી આમંત્રણ સ્વીકાર્યું નથી.

સાહિત્ય – કૃતિઓ

સંત બાબુરામ આ દુનિયા છોડી ને ગયા પરંતુ પોતાની પાછળ પોતાની અમર કૃતિઓનો વારસો ગુજરાતી ભક્તિ-સાહિત્યને ભેટ આપતાં ગયા છે.

 • હરજીવનદાસ કાવ્યમાં બાબુરામ કાવ્ય
 • સંત સમાગમમાં સમજણ ભક્તિ
 • સત્ કર્મ બોધ
 • બાબુરામ બોધમાળા
 • ગુરુ ગમ ગીતા
 • શ્રી બાબુરામ નિરાંત સતસંગ ધારા ભાગ - ૧
 • જેસલ – તોરલ આખ્યાન કાવ્ય (અપ્રગટ)
 • પાર્વતી ગર્વ ખંડન આખ્યાન કાવ્ય (અપ્રગટ)
 • સોળ નીતિ સુત્ર.

અંતિમ વિદાય

જગતમાં દેખાતા, કહેવાતા, મનાતા અને પૂજાતા સંતો ઘણા છે. પરંતુ ખરા સંતો આ બધાથી નિરાલા છે. તેમનો બહારનો કોઈ વેશ, કેશ કે ડોળ નથી પરંતુ અંતરથી ન્યારા હોય છે. જગતની દ્રષ્ટિ બાહ્ય વેશ-કેશ તરફે પડે છે. પરંતુ અંતર તરફ દ્રષ્ટિ નહિ જવાથી સાચા સંતો ઓળખાયા વિના અંધારામાં પડ્યા રહે છે. જેની અંતર દ્રષ્ટિ થઈ છે તેને સાચા સંતો ઓળખાય છે અને તેવાંઓ એ જ સાચા સંતોને પૂજયા છે. જ્યારે બીજાએ સંતોને ગાળો આપી છે. શ્રી બાબુરામ પણ આવા જ એક સીધા, સાદા અને સરળ છતાં સાચા સંત હતાં. તેમનો બહારનો કોઇ વેશ-કેશ ન હતો. તેથી નજીક રહેનારા પણ તેમને સાચા અર્થમાં ઓળખી ન શકયા. શ્રી બાબુરામ સાચા અર્થમાં સેવક પણ હતા, સંત પણ હતા, સદ્ગુતરુ પણ હતા અને સમાજ સુધારક પણ હતા. શ્રી કૃષ્ણએ સદ્ગુ રુ નું પદ મેળવી પોતાના જીવનમાં સિધ્ધ કરી બતાવ્યું હતું તેમ શ્રી બાબુરામે પણ સદ્ગુરુ નું પદ મેળવી પોતાના જીવનમાં સિધ્ધ કરી બતાવ્યું. તેમની પાસે રામની રૂખ અને કૃષ્ણની નીતિ હતા. નિરાંત-વચન-હરજી-ગુરુ-જ્ઞાન ગાદીનું આચાર્ય પદ મેળવી તે પદ શોભાવ્યું. નિરાંત પંથમાં પેસી ગયેલા બાહ્ય વિધિ વિધાનો, કર્મ-કાંડ દૂર કરી, નિરાંતનું સાચું જ્ઞાન પ્રગટ કરી નિરાંતના નામનો ડંકો વગાડ્યો. સદ્ગુારુ શ્રી બાબુરામનો યુગ એટલે નિરાંત-વચન-હરજી-ગુરુ-જ્ઞાન ગાદીનો સુવર્ણયુગ. તેમના સમયમાં આ ગાદીનો સોળે સોળ કળાએ વિકાસ થયો તથા જ્ઞાનનો ફેલાવો થયો. સંવત ૨૦૪૧ ના કારતક સુદ-૧૫ ને દિવસે પૂર્ણિમાએ આવતા ભાવિક ભક્તોને અંતિમદર્શન, પૂજન તથા સતસંગનો લાભ આપ્યો તે દિવસે તેમણે ભાવિક-ભક્તોની હાજરીમાં જાહેરમાં કહ્યું હતું, "મારા દેહનો કોઈ ભરોશો નથી, મારો દેહ છે કે નહિ પણ મારી સાચી વાત, મારો સાચો સંદેશો લોકોને કહેજો. મારો દેહ જશે પરંતુ મારી દિવ્યતાનો નાશ નહિ થાય" ગુરુ ગમ ગીતાનો તેમનો સતસંગ પૂરો થયા પછી એટલું પણ કહ્યું કે જીવતા રહીશું તો આવતી પૂર્ણિમાએ ગુરુ ગમ ગીતાનો સંવાદ આગળ ચલાવીશું પરંતુ બીજી પૂર્ણિમા આવતાં પહેલાં તો નશ્વર દુનિયા છોડી સત્લોકમાં ચાલ્યા ગયા. તેમનો છેલ્લામાં છેલ્લો સતસંગ ધનોરા મુકામે થયો. તબિયત સારી નહિ હોવા છતાં ત્યાં જવા માટે તિથિ આપેલી તેથી ત્યાં ગયા. સતસંગ કરવાની ઈચ્છા ન હતી પરંતુ આ ગામમાં પ્રથમ વાર જ આવ્યા હતા, તેથી તેમને સાંભળવા ઘણા ભક્તો ભેગા થયા હતા. એટલે ભક્તોના ભાવને વશ થઈને અડધો કલાક સતસંગ કર્યો. તેમના સતસંગની શરૂઆતના સાખીના શબ્દો હતા.

"સુત દારા અરૂ લક્ષ્મી પાપી કે ઘર હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ હોય"

તેમના જીવનની જોવા જેવી અને જાણવા જેવી ખૂબી એ છે કે સતસંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે સતસંગનો પ્રારંભ સંત તુલસીદાસની સાખીથી કર્યો અને સમાપન પણ સંત તુલસીદાસની સાખીથી કર્યું. જે તેમના સંતપણાના હદયના દર્શન કરાવે છે. સંત બાબુરામ પોતે શુધ્ધ પુરુષ હતા. પોતાના આત્મ સ્વરૂપનું દર્શન કરાવતાં. અન્ય ભાવિક ભકતો સાથેની વાતચીતમાં જણાવેલું કે "હું શુધ્ધ પુરુષ છું, મારામાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે વિકાર નથી. મારું શરણું લીધા પછી આડી અવળી ચાલ ચાલનારને મારુ શરણું પચશે નહિ. " વળી "સતસંગ એ મારું બળ છે. એ બળનો ઉપયોગ મારે મારા સંકટ સમયે કરવાનો હોય છે. "

જે દિવસે પોતે નિર્વાણ પદને પામ્યા તે દિવસે તેમને નવિ જીથરડીના ભગત ભગવાનભાઈ વૃંદાવનભાઈને ત્યાં ટ્યુબવેલ કૂવાનું ઉદ્ઘાટન કરવા જવાનું હતું. આગલી રાત્રે હદયમાં વેદના વધી ગઈ. આખી રાત જાગતા રહ્યા, સવાર થતાં નિંદ્રાધીન થયા. પરંતુ ઉદ્ઘાટન માટે વચન આપેલું તેથી જાગી ગયા. જવાની તૈયારી કરી પરંતુ હ્દયમાં વેદના વધી ગઈ તેથી પોતાના પુત્ર શ્રી રતુરામને વચનનું પાલન કરવા ત્યાં મોકલી આપ્યા. શ્રી રતુરામ હજુ તો પૂરા નવિ જીથરડી તે પહોંચ્યા પણ ન હતા ત્યાં તો પોતે ઢળી પડયા. શ્રી રતુરામને બોલાવવા માણસ મોકલવામાં આવે છે. શ્રી રતુરામે મોટરનું બટન દબાવી ઉદ્ઘાટન કર્યુ. ત્યાં તો પોતાના પિતાશ્રીના સમાચાર મળ્યા, પોતે ઘેર પાછા ફર્યા. પિતાશ્રીનું અંત સમયનું સ્મરણ ચાલુ હતું. પિતા-પુત્રની આંખ મળી મૌનાલય થયા. પોતાના જ્ઞાન-ચક્ષુનું કિરણ પોતાના પુત્રની આંખમાં ફેકયું, પુત્રએ ઝીલ્યું, આંખ મિચાઈ ગઈ. નશ્વરદેહને છોડી સત્લોકની ભૂમિમાં સમાઈ ગયા. સંવત ૨૦૪૧ ના કારતક વદ ૧૨ ને મંગળવાર તા. ૨૦-૧૧-૮૪ નો દિવસ એ તેમને માટે આ ભૂમિ પરનો છેલ્લો દિવસ હતો. જ્યારે તેમના ભક્તો, સેવકો અને શિષ્યો માટે શોકનો દિવસ હતો. નિરાંત પંથ ની મૂળ ગાદીનો ચમકતો સિતારો બુઝાઈ ગયો. અને નિરાંત પંથની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરુ જ્ઞાન ગાદીના આચાર્ય તરીકે તેમના જયેષ્ઠ પુત્ર શ્રી રતુરામજીને ચાદર ઓઢાડી આચાર્ય પદે નિમણૂંક કરવામાં આવી.

॥ ॥ જયસદ્ગુરુ ॥

નીતિ સુત્રો

પરમતત્વને પૂજીએ સેવીએ સુકૄત સાર, સાર સ્વરૂપી સદ્‍ગુરુ વંદીએ વારંવાર.


*સત્ય ગુરુ દેવ કી જય *

સવંત ૨૦૩૩ ના ભાદરવા સુદ પાંચમે (ઋષિ પંચમી) શ્રી બાબુરામ મહારાજે એમની ૪૪મી જન્મ જયંતી
પ્રસંગે મનુષ્યની સાર્થકતા તથા આત્મપ્રેમની પ્રાપ્તિ માટે પ્રગટ કરેલા

॥ નીતિ સૂત્રો ॥

 • સીધું ચાલવું, સ્વભાવ સારો રાખવો, શુધ્ધ-વહેવારી અને સેવાભાવી બનવું.
 • ચોખ્ખુ દિલ અને ચોક્કસનું કામ માણસને દેવ બનાવે છે.
 • સાચા સંત અને સદ્‍ગુરુને ભગવાન જેવા ગણી એમના વચનનું ઉલંઘન કરવું નહિ, એમના વચનને વધાવી એમાં શ્રધ્ધા રાખી સહેવું.
 • પ્રસંગોપાત્ત સંત, સદ્‍ગુરુ, સ્નેહી, સબંધી કે સગાને ત્યાં જવાનું થાય ત્યારે સંજોગ અને સગવડ અનુસાર ભેટ ભાવની યોગ્ય વસ્તુ સાથે જવું જોઈએ.
 • આપણે આપણું બોલેલું પાળવું જોઈએ, કોઈને મળવાનું કહ્યું હોય તો તે નક્કી કરેલા સમયે અચૂક પહોંચી જવું જોઈએ તથા આપણા સ્નેહી, સબંધી કે સગાના માંદગીના સમાચાર મળતાં અનુકૂળ સમયે ખબર લેવા જવું જોઈયે.
 • જેની સાથે આપણે ના બનતું હોય છતાં પહેલીવાર જો તે આ પણને બોલાવે તો આપણે ભાવથી બોલવું જોઈએ.
 • પ્રસંગોપાત્ત આપણે બીજાને હળવા મળવાનું થાય ત્યારે તેને મળતાં આપણને આનંદ આવવો જોઈએ તથા બીજો કંઈ વાત કરતો હોય ત્યારે તે આદરપૂર્વક ધ્યાન દઈ સાંભળવી જોઈએ.
 • આપણે આપણી જાતે આપણાં વખાણ કરવાં જોઈએ નહિ. પરંતુ બીજો આપણને મળે તો તેના વખાણ ની વાત આપણે યાદ લાવવી જોઇએ.
 • કોઇના નામની ખોટી ચર્ચા, ચાડી, ચુગલી કે ઠઠ્ઠા-મશ્કરી કરવી જોઈએ નહિ તથા કોઇને ચિંતામાં મૂકી દે એવી વાતો આપણે એકદમ કોઇને કહેવી જોઇએ નહિ
 • કોઈની બાબતમાં સાંભળેલી ખાત્રી વગરની ખોટી વાત બીજાને કહેવી જોઇએ નહિ તથા કોઈની હાજરીમાં આપણા સ્નેહી, સબંધી કે સગાની ટીકા કરતાં અચકાવું જોઈએ.
 • ગુસ્સામાં આવી જઈ બીજાનું મન દુખાય તથા તેણે આઘાત લાગે એવાં મે'ણાં-ટોણાં, મશ્કરી કે વાતો કરવી જોઇએ નહિ કોઈનું દિલ દુભાવ્યું હોય તો તેના પ્રત્યે દિલસોજી બતાવી ફરી એવું ન થાય તેની કાળજી લેવી જોઈએ.
 • કોઈની સાથે આપણે કોઇ વાત વહેવાર કે કામ થી મતભેદ પડે તો તેમાં આપણે બને તેટલું મોટું મન રાખીને મતભેદનો અંત લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
 • કોઇની કંઈ ભૂલ થઇ જાય તો તે ભૂલ સંભારી કોઇને ભોંઠો પાડવો ન જોઈએ તથા તેની ભોંઠપ ઢાંકવાનો એક વખત પ્રયત્ન કરવો જોઈએ.
 • આપણે કોઇની સાથે કંઈ મુસાફરીમાં બહાર જવાનું થાય ત્યારે તેમાં અરસપરસની જરૂરિયાત માટેનો થતો ખર્ચ એક વખતનો આપણા તરફથી કરી આપણે આનંદ માણવો જોઈએ.
 • કોઇ કુદરતી કારણસર આપણી ધારેલી વાત, યોજના કે કામ પર પાણી ફરી વળે તો એ વિષે ફફડાટ, બબડાટ કે ઠકડાટ કરી કોઇ ઘરના કે બીજા પર ખીજવાવું જોઇએ નહી.
 • ખેતીવાડી, વેપાર, નોકરી અગર બીજા કોઈ ઘંઘા રોજગારમાં તથા વિદ્યા, જ્ઞાન કે રમતગમતમાં આપણા કરતાં બીજો ચપળ, હોંશિયાર અને આગળ પડતો હોય તો તેની ઇર્ષા ન કરતાં તેને અભિનંદન આપતા રહેવું જોઈએ.
x